Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક માટે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું હાથ ધરાશે
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
‘સ્વચ્છતા હી સેવા’: ‘એક તારીખ, એક કલાક’
‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના દિવસે દેશનાં તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન-પ્રતિનિધિઓની આગેવાની હેઠળ ‘એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અન્વયે છોટાઉદેપુર ૬ તાલુકાઓ માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.
‘એક તારીખ, એક કલાક’ અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન ૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી એક કલાક કરવામાં આવશે. જિલ્લાના આરોગ્ય કેન્દ્રો/આંગણવાડીઓ/શાળાઓ/વિવિધ કચેરીઓનાં પ્રાંગણ અને આજુ બાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ગૌશાળાઓ, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓ ખાતે સ્વચ્છતા અભિયાન માટે શ્રમદાનનું આયોજન કરવામાં આવશે.
દરેક ગામમાં ઓછામાં ઓછી એક શ્રમદાન ગતિવિધિનું આયોજન કરાશે. સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહેશે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલની જગ્યાએ લઈ જવા માટે નોડલ ઓફિસરો તેમજ કંટ્રોલરૂમની વ્યવસ્થા કરવામાં આવશે.
આ ભગીરથ કાર્યમાં ધારાસભ્યશ્રીઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોનાં પ્રમુખો અને સભ્યો, સરપંચો, ગ્રામ પંચાયતનાં સભ્યો તેમજ જિલ્લા/તાલુકાનાં ઉચ્ચ અધિકારીઓ પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉમદા કાર્યમાં તમામ છોટાઉદેપુર વાસીઓ આ સ્વચ્છતા માટેની મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સહભાગી બને તેવો જિલ્લા વિકાસ અધિકારીએ અનુરોધ કર્યો છે.