Vadodara
કવાંટ તાલુકાના મંદવાળા થી ઝરોઈ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ જેતપુરપાવી ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે અંદાજે ૯૦ લાખના ખર્ચે મંદવાળા થી ઝરોઈને જોડતા રોડનું ભૂમિપૂજન સાથે ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ માર્ગના નિર્માણ થકી હવે મંદવાળા થી ઝરોઈ વગેરે ગામોને આવાગમન માટે વધુ લાભ મળશે.
મંદવાળા થી ઝરોઈ રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લ્હાવો લોકોને મળ્યો છે. આજરોજ પ્રજાના હિતમાં ૯૦ લાખના ખર્ચે મંજૂર થયેલા માર્ગ ગ્રામજનો માટે ખુબ ઉપયોગી નિવડશે. સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત તાલુકાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે, તેમ જણાવતા જયંતીભાઈએ સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા અપીલ કરી હતી.
વધુમાં કોઈ પણ કારણોસર ઉભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપણે નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ અપાવ્યો હતો. સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકત એ આપણી જ વિરાસત છે, તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી. વધુમાં એ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મંદવાળા ખાતે થઈ રહેલા નિર્માણાધિન રોડ બે ગામનાં લોકોને મદદરૂપ થશે. ખરેખર સરકારની સાથે પ્રજાની પણ સહભાગીતા ગામના વિકાસ માટે ખુબ જ જરૂરી છે. આજરોજ ધારાસભ્યના હસ્તે થયેલા રોડના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ખાત મુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા કવાંટ તાલુકા પંચાયતના પૂર્વઉપ પ્રમુખ મિલનભાઈ રાઠવા વાટા ગ્રામ પંચાયતના સરપંચ લાલાભાઇ તેમજ ભાજપા આગેવાન ડુંગરસિંહ રાઠવા તેમજ ગામના સૌ અગ્રણી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા