International
પાપુઆ ગિનીમાં ભારે તબાહી, ભૂસ્ખલનના કારણે 100થી વધુના મોત
પાપુઆ ન્યુ ગિનીના એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં એક વિશાળ ભૂસ્ખલન થયું છે. શુક્રવારે અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં 100 થી વધુ લોકોના મોતનો અંદાજ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો માટી નીચે દટાયેલા છે. ગ્રામજનોએ ઘટના સ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો બહાર કાઢ્યા છે. હાલમાં આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો આવ્યો નથી.
ભૂસ્ખલન પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એન્ગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે 3 વાગ્યે થયું હતું. એન્ગા પ્રાંતીય વહીવટીતંત્રનું કહેવું છે કે તેમણે ભૂસ્ખલનના કારણે થયેલા નુકસાનનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે ઇમરજન્સી એક્શન ટીમની રચના કરી છે.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટર એબીસીએ પણ સ્થાનિક લોકોને ટાંકીને આ ઘટનાની માહિતી શેર કરી છે. કાઓકલામના એક વ્યક્તિએ ચેનલને જણાવ્યું કે લોકો માટે રાહત કાર્ય ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. ઘણા ભારે પથ્થરો, વૃક્ષો અને છોડ પડી ગયા છે. જેના કારણે ઈમારતોને નુકસાન થયું હતું. જેના કારણે મૃતદેહો શોધવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
અન્ય એક મહિલા એલિઝાબેથ લારુમાએ જણાવ્યું હતું કે નજીકની ટેકરી પરથી કાદવ અને વૃક્ષો પડતાં કેટલાંય મકાનો ધરાશાયી થયાં હતાં. આખું ગામ ગાઢ નિંદ્રામાં હતું ત્યારે આ ઘટના બની હતી. તેમણે કહ્યું કે ગામના 100થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા છે.