Gujarat
માઠા સમાચાર: રાજ્યમાં ભારે વરસાદની કોઈ શકયતા નથી…

ખેડૂત હાલમાં વરસાદની રાહ જોઈ રહ્યો છે, જોકે ખેડૂતે વરસાદ ન થતા પાકને પાણી આપવાનું શરૂ કરી દીધું છે, ત્યારે હવામાન ખાતા તરફથી ખેડૂત માટે ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી.
નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણનો સમાવેશ થાય છે. બાદમાં અહીં પણ વરસાદની સંભાવના ઓછી છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ શક્યતા નથી