International
ફિલિપાઈન્સમાં ગુમ થયેલું પ્લેન ક્રેશ, ભારતીય પાઈલટ સહિત બેના મોત
દક્ષિણપૂર્વ એશિયાઈ દેશ ફિલિપાઈન્સમાં એક વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ પ્લેન ગુમ થઈ ગયું હતું. બાદમાં આ વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ફિલિપાઈન્સમાં એક નાનું પ્લેન ક્રેશ થતાં એક ભારતીય સ્ટુડન્ટ પાઈલટ અને તેના ફિલિપિનો ઈન્સ્ટ્રક્ટરનું મોત થયું હતું. અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી. ફિલિપાઈન્સની સત્તાવાર સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અપાયાઓ પ્રાંતમાં બે સીટર ‘સેસ્ના’ વિમાન ક્રેશ થયું હતું, જેમાં બે લોકોના મોત થયા હતા.
એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા બાદ ગુમ થઈ ગયો હતો
જોકે, બચાવકર્તા કેપ્ટન એડઝલ જોન લુમ્બાઓ તાબુજો અને સ્ટુડન્ટ પાયલોટ અંશુમ રાજકુમાર કોંડેના મૃતદેહને ક્રેશ સ્થળ પરથી બહાર કાઢી શક્યા ન હતા. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇકો ‘એર સેસના 152’ પ્લેન મંગળવારે બપોરે 12:16 વાગ્યે લાઓગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ ગુમ થયું હતું. એરક્રાફ્ટ બપોરે 3:16 વાગ્યે તુગુગેરાવ એરપોર્ટ પર પહોંચવાનું હતું, પરંતુ તે ત્યાં ઉતરવામાં નિષ્ફળ ગયું. વિમાનનો કાટમાળ બુધવારે બપોરે અપાયાઓ પ્રાંતમાં મળી આવ્યો હતો.
સુદાનમાં સિવિલ પ્લેન ક્રેશમાં 9 લોકોના મોત થયા છે
થોડા દિવસો પહેલા, સુદાનમાં એરપોર્ટ પરથી ટેકઓફ કર્યા પછી એક નાગરિક વિમાન ક્રેશ થતાં ચાર સૈન્ય કર્મચારીઓ સહિત નવ લોકો માર્યા ગયા હતા. સેનાએ કહ્યું હતું કે ઉત્તર પૂર્વ આફ્રિકન દેશમાં સોમવારે સંઘર્ષના 100 દિવસ પૂરા થયા છે અને સંઘર્ષ ઓછો થવાની કોઈ શક્યતા નથી.
કેલિફોર્નિયામાં પણ નાનું પ્લેન ક્રેશ થયું હતું
આ પહેલા કેલિફોર્નિયા એરપોર્ટ નજીક એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માતને કારણે પ્લેનમાં આગ લાગી હતી અને 6 લોકોના મોત થયા હતા. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, લોસ એન્જલસથી લગભગ 130 કિમી દક્ષિણપૂર્વમાં આવેલા મુરીએટામાં સવારે 4.15 વાગ્યે આ દુર્ઘટના જોવા મળી હતી. આ દરમિયાન પ્લેનમાં લાગેલી આગને બુઝાવવામાં 1 કલાકથી વધુનો સમય લાગ્યો હતો.