Gujarat
બોડેલી તાલુકામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવતા ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના ત્રીજા દિવસે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાલપરી, છત્રાલી, ખાતે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ૨૧ વર્ષ પહેલા શરૂ થયેલ શૈક્ષણિકક્રાંતિના આ મહાભિયાનના પરિણામે આજે શાળાઓમાં દીકરીઓની સંખ્યા વધી છે. પહેલાના સમયમાં દીકરીઓનું શાળાઓમાં ખુબ ઓછું નામાંકન થતું હતું, પરંતુ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ થતા દીકરીઓના નામાંકનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત શાળાના ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ “બેટી બચાઓ, બેટી પઢાઓ” અને “પાણી બચાવો” વિષયક વક્તવ્ય રજુ કર્યા હતા. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઇ રાઠવા સી.આર.સી. કોર્ડીનેટર, શાળા આચાર્ય, ગામના સરપંચ, અગ્રણીઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.