Chhota Udepur
કવાંટમાં પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા સફાઈ કરવામાં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસરના ભાગરૂપે દેશભરના ધાર્મિક સ્થળોની સફાઈ કરવા માટે સ્વચ્છતા અભિયાન આરંભ કરવામાં આવ્યો છે. માનનિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. છોટાઉદેપુર જીલ્લાના તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ઉત્તરાયણના દિવસે જન આદોલન રૂપે સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાના ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને પવિત્ર બનાવવા આ જન આંદોલનમાં તમામ ગ્રામ્ય/શહેરી વિસ્તારના નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં આવી રહ્યા છે
જેમાં યાત્રાધામોના પરિસર, ધાર્મિકસ્થળોના મુખ્ય પ્રવેશ માર્ગો તથા ભક્તોની અવર-જવર થતી જગ્યાની સ્વચ્છતા વ્યવસ્થિત રીતે જળવાય તેવી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવડમાં આવેલા પંચેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ સફાઈ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કવાંટના હાફેશ્વર મંદિર ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને ગ્રામજનોએ સફાઈ કરી હતી. આમ વિવિધ ધાર્મિક સ્થળોએ સફાઈ અભિયાનની શરૂઆત થઈ છે આ સપ્તાહ દરમિયાન અન્ય વિવિધ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવામાં આવનાર છે.