Chhota Udepur
સિંચાઈ વગર બાકી રહેલા વિસ્તારને સિંચાઈનો લાભ આપવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની મુખ્યમંત્રીને રજૂઆત
( કાજર બારીયા દ્વારા)
છોટાઉદેપુર જિલ્લો ૨૦૧૩ થી અસ્તિત્વમાં આવેલો છે. જેમાં ૬ તાલુકાઓનો સમાવેશ થાયછે. મોટાભાગનો ભૌગોલીક વિસ્તાર ડુંગરાળ છે. અહિયા સિંચાઈની વ્યવસ્થા નહીવત છે. છોટાઉદેપુર જિલ્લાની કુલ ખેતી લાયક જમીન ૨૦૭૧૦૦ હેકટર છે. જેમાંથી રાજય સરકાર હસ્કતના સુખી ડેમ, રામી ડેમ તેમજ પંચાયત વિભાગ હસ્તકના ૧૩ સિંચાઈ તળાવો અને કેટલાક ખાનગી કૂવા/ બોરથી કુલ ૮૫૧૦૪.૦૦ હેક્ટર જમીન પીયત થાય છે. બાકીનો વિસ્તાર ૧૨૧૯૯૬ બિનપીયત વિસ્તાર છે. જેમાં છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, જેતપુરપાવી તાલુકાઓમાં ઘણોખરો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને સિંચાઈનો લાભ ન મળવાથી તેમની આર્થીક પરિસ્થિતિ નબળી થતી જાય છે. જેથી તેમને મજુરીઅર્થે જુદા જુદા જિલ્લાઓમાં સ્થળાંતર કરવુ પડે છે. સિંચાઈથી ખેતી થાય તે માટે ખેડૂતો જિલ્લાના ધારાસભ્યો અને સંસદ સભ્યને વારંવાર રજુઆત કરે છે. જિલ્લામાં ઓરસંગ નદી, આની નદી, ભારજ નદી, મેરીયા નદી, ઉચ્છ નદી, હેરણ નદી, અશ્વિન નદી, કરા નદી, મેન નદી ઉપરાંત મોટા મોટા કોતર પણ આવેલા છે. સીરીઝમાં ઉપરોકત નદીઓ અને કોતરો ઉપર જંગલ વિસ્તાર સહીત ગેટવાળા ચેકડેમ/ આડબંધ બનાવવા જોઈએ. જેથી કરીને આ નદીઓ કોતરો બારેમાસ જીવંત રહેશે અને તેનાથી પશુ-પક્ષીઓ ઉપરાંત જંગલી જાનવરોને પણ પીવાના પાણી મળશે અને જંગલી પશુઓ જંગલ વિસ્તાર છોડીને રહેણાંક વિસ્તારમાં આવશે નહી. નર્મદાની મુખ્ય નહેર છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થાય છે. સિંચાઈના પાણી માટે ઘણા વર્ષોથી માંગણી કરવામાં આવે છે. છતાં શકય બન્યુ નથી. સિંચાઈથી ખેતીનો લાભ મળે તે માટે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ ને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ લેખિત રજૂઆત કરી હતી
આ સાથે આખા છોટાઉદેપુર જિલ્લાનુ હાઈડ્રોલોજીકલ સર્વે કરીને પાણીના સ્ત્રોતો, પાણીની ઉપલબ્ધિ અને વિતરણના માર્ગોની સંપુર્ણ માહિતી મેળવી સિંચાઈ માટેના આયોજનમાં સહાયક થશે અને સર્વે ધ્વારા પાણીનો સદઉપયોગ થકી ખેડૂતોને બહુ મોટો લાભ થશે અને આર્થીક રીતે મજબુત થશે. જેથી અહીનો ખેડૂત આત્મનિર્ભર બની શકે સિંચાઇ વિના બાકી રહેલા ખેડૂતો સુધી પાણી પહોચાડવુ હોય તો આ છ બાબતો ઉપર સરકારે ધ્યાન આપવું જોઇયે
- 1. નર્મદાની મુખ્ય કેનાલ ૦/૦ થી પેરેલલ કેનાલ બનાવવી
2 . કવાંટ તાલુકાના હાફેશ્વર અથવા મથવાડ વિસ્તાર તરફથી નર્મદા નદીમાંથી પાણી સિંચાઈ માટે લાવવા જોઈએ
- 3. જિલ્લાની નદીઓ ઉપર ગેટવાળા ચેકડેમો બનાવવા જેનાથી નદીઓમાં બારેમાસ પાણી રહે
- 4. જિલ્લાના ૧૩ સિંચાઈ તળાવોની કેનાલો અદ્યતન બનાવી કમાન્ડ એરીયામાં સિંચાઈ થાય તેવી વ્યવસ્થા ગોઠવવી
- 5. સિંચાઈ તળાવોની પાણી સંગ્રહ ક્ષમતા વધારવા માટે હાલમાં જે માટી પુરાણ થયેલ છે તે કઢાવી સંગ્રહ ક્ષમતા તથા સિંચાઈ વિસ્તાર વધારવો
- 6. અગત્યની બાબત મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના મોહનપુરા ડેમ બનાવવા માટે નેધરલેન્ડની એજન્સીએ સર્વે કરેલુ તે એજન્સીને બોલાવી છોટાઉદેપુર જિલ્લાનુ હાઈડ્રોલોજીકલ સર્વે કરાવવુ