Chhota Udepur
આદિવાસી વિસ્તારોમાં અનાજ નાં લાંબા સમય સુધી સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી મોહટી – એક બિન ખર્ચાળ કોલ્ડ સ્ટોરેજ
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ, તા.૨૧)
મોહટી એ આદિવાસીઓ માટે વર્ષ ની જરૂરિયાત પ્રમાણે નો અનાજ સંગ્રહ સ્ટોરેજ કહી શકાય ગુજરાત ના પૂર્વપટ્ટી વિસ્તારના આદિવાસીઓ લાંબા સમય સુધી સારી અવસ્થામાં અનાજ સંગ્રહ કરી રાખવા માટે વાંસ માંથી બનાવવામાં આવતી મોહટી અને હાટો(સાટો) તથા સારલી અને ટોપલા નો નો ઉપયોગ કરતા હોય છે.
ગુજરાત રાજ્યના આદિવાસી જિલ્લાઓ પૈકીના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા તેમજ મધ્યપ્રદેશ સરહદી વિસ્તાર ના પૂર્વપટ્ટીના આદિવાસી લોકો મોટેભાગે ખેતી કરી ને પોતાનુ ગુજરાન ચલાવે છે ,અહીં ના લોકો ખેતીની ઊપજ ધાન્ય પાકો જેવા કે મકાઈ, તુવેર, જુવાર, ડાંગર,અડદ,બાજરી,બટી,શામેલ,રાળો,ભેદી,કોદરા જેવી ધાન્ય પેદાશો ને લાંબા સમય સુધી સારી અવસ્થામાં સંઘરી રાખવા માટે મોહટીનો ઉપયોગ કરતા હોય છે .
મોહટી વાંસ માથી બનાવવામાં આવે છે, જે વાંસ ના ફાડચા કરી ને કાંમળા તૈયાર કરવામાં આવે છે, ઉપયોગ માં લેવાતા વાંસ ના કામળા ને ગાય- બળદ કે ભેંસ ના મુત્ર માં કેટલાક સમય સુધી પલાળી રાખવા માં આવે છે જેથી કરીને અનાજ સંગ્રહ માટે બનાવવામાં આવતી મોહટી લાંબા સમય સુધી સારી અવસ્થામાં રહે છે ત્યારબાદ કામળા માંથી જરૂરિયાત પ્રમાણે ની નાની કાંમળી ઘડીને હાથવણાટ થી મોહટી તૈયાર કરવામાં આવે છે, એક મોહટી તૈયાર કરવામાં આશરે ત્રણ થી ચાર દિવસ નો સમય લાગી જતો હોય છે, મોહટી તૈયાર કર્યા બાદ તેમાં અનાજ ભરતાં પહેલાં માટી અને છાણ નો ગારો બનાવી ને અંદર ના ભાગે લિપણ કરી લેવામાં આવે છે, જ્યારે તેમા જે તે અનાજ ભરવા માં આવે ત્યારે અનાજ ની સાથે ચૂલ્હા ની સફેદ રાખ અને કડવા લીમડાના ડોરાં ભેળવીને ભરવા માં આવે છે જેથી અનાજમા કોઈ પણ પ્રકારની જીવાતો નહીં પડે અને અનાજ લાંબા સમય સુધી સારી અવસ્થામાં સુરક્ષિત રીતે રહી શકે, ત્યારબાદ મોહટીનો મુખના ભાગને માટી-છાણ અને સાથે ડાંગર ના પરાળનો ઉપયોગ કરી ને લિપણ કરીને ડાંટો દઇ દેવાતો હોય છે, જ્યારે જરૂર પડે ત્યારે એક બાજુ નો ડાંટો ખોલી ને જરુરીયાત પ્રમાણે અનાજ કાઢી શકાય.
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજ નાં વાલસિંગભાઈ રાઠવા જણાવે છે કે આ વિસ્તારના મોટી ઉંમરના વડીલો ઓ પાસેથી મળતી માહિતી મુજબ પહેલા ના સમય માં જ્યારે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતી ત્યારે અગમચેતી રુપે મોહટી માં ખાસ કરીને ડાંગર,ભેદી,બટી ,શામેલ, રાળો અને કોદરા જેવા ધાન્ય પાકોને ૪૦-૫૦ વર્ષ સુધી પણ સારી અવસ્થામાં રાખી દુષ્કાળ જેવી સ્થિતિ માં પણ સુયોગ્ય વિકલ્પ થકી જીવન ટકાવી રાખવાનો આ ક્ષેત્રના આદિવાસી ઓની આગવી સૂઝ અને અભિગમ રહ્યો છે.
પહેલા ના સમયે જ્યારે કોઈ બહારથી અજાણી વ્યક્તિ કે મહેમાનો આવે ત્યારે ઘરમાં કેટલી મોહટીઓ છે, અને કેટલી મોટી મોહટીઓ છે તે જોઈને ઘરની આર્થિક સધ્ધરતા આંકી લેવાતી..! આમ મોહટી એ આદિવાસીઓ માટે આર્થિક સધ્ધરતા નુ પણ પ્રતિક બની રહે છે, તેમજ મોહટી એ આ વિસ્તારના આદિવાસી લોકો માટે અનાજ ને સાચવી રાખવા માટે એક લાંબા ગાળાના અને બિનખર્ચાળ કોલ્ડ સ્ટોરેજની ગરજ સારે છે અને મોહટી બનાવવા ના વ્યવસાય સાથે સંકળાયેલા આદિવાસી લોકો નુ એક આજીવિકાનું સાધન બની રહે છે.
મોહટી ની ખરીદી અને વેચાણ ખાસ કરીને દશેરા બાદ વધુ જોવા મળે છે કારણ કે દશેરા બાદ જ આ વિસ્તારના લોકો મકાઇ, અડદ, તુવર, જુવાર, સોયાબીન,બટી ,રાળો, સામેલ, ભેદી,કોદરા અને ડાંગર, જેવા ધાન્ય પાકો ની તબક્કા વાર લણણી કરતા હોય છે.
ખાસ કરીને છોટાઉદેપુર,ઝોઝ, રંગપુર (સ) તથા કવાંટ ના અઠવાડીક હાટમાં મોટી સંખ્યામાં લોકો મોહટી ની લે વેચ માટે આવતા હોય છે, એક મોહટી ની કિંમત રૂપિયા ૪૦૦/- થી લઇને રુપિયા ૩૦૦૦/- સુધી હોય છે, મોહટી ની અંદર અંદાજે ૧૦૦ કીલોથી લઇને ૨૦૦૦ કીલો જેટલું અનાજ સંગ્રહ કરી શકાતું હોય છે.
આદિવાસીઓ દેવદિવાળી એ મોહટી પર દીવડા મુકીને ભારે આસ્થા સાથે અન્નદેવી કણી કણહેરીનુ પૂજન કરતા હોયછે, અને પૂજન પાછળ ની માન્યતા એવી છે જે મોહટી માંથી દાણા ખૂટે નહીં, ભર્યા ભંડાર રહે..
આમ આદિવાસી લોકો અનાજ સડી ન જાય અને લાંબા સમય સુધી સારી અવસ્થામાં ટકી રહે તે માટે ની વૈજ્ઞાનિક પદ્ધતિ થી સાચવણી ની અનોખી કોઠાસૂઝ ધરાવે છે.
Box
* ડાંગર,બટી,શામેલ,ભેદી,રાળો, કોદરા જેવા ધાન્ય પાકો ને ૪૦-૫૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી સુરક્ષિત રીતે રાખી શકાય છે.
* દેવદિવાળી એ મોહટી પર દિવળા પ્રગટાવી આસ્થાભેર પૂજન કરવામાં આવે છે.
* ૧૦૦ કિલો થી લઈને ૨૦૦૦ કિલો અનાજ સંગ્રહ કરી શકાય તેવી મોહટી ની કિંમત ૫૦૦ થી લઈને ૩૦૦૦ સુધી ની હોય છે.
* પહેલા ના સમયે ઘરમાં મોહટીની સંખ્યા જોઈને ઘરની આર્થિક સધ્ધરતા આંકી લેવાતી.
* મોહટી એ આદિવાસી ઓ માટે લાંબા સમય સુધી અનાજ સંગ્રહ કરી શકાય તેવો બિન ખર્ચાળ કોલ્ડ સ્ટોરેજ.