Gujarat
પોલિંગ બૂથની બહાર નાસ્તો કાર્ય બાદ 20થી વધુને ફૂડ પોઈઝનિંગ, વોમેટિંગ થતા હોસ્પિટલ
ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે વહેલી સવારથી ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે માત્ર ચૂંટણી પંચ જ નહીં, દરેક પાર્ટીઓ જહેમત ઉઠાવી રહી છે. એવામાં મતદાનના માહોલ વચ્ચે વડોદરાના ફતેગંજથી માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં મતદાન મથકની બહાર વિતરણ કરાયેલ બટાકા-પૌવા ખાધા પછી 20થી વધુ લોકોની તબીયત લથડી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, સેવાભાવી યુવાનો દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનની સામે આવેલ સૂર્યનગર ખાતેના મતદાન મથકની બહાર મતદારો તેમજ ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓ માટે ચા અને બટાકા પૌવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જેની જાણ થતાં આસપાસના વિસ્તારોમાં રહેતા શ્રમિકો તેમના બાળકો સાથે બટાકા-પૌવા ખાવા માટે પહોંચી ગયા હતા. જે ખાધા પછી 20થી વધુ લોકોની તબિયત અચાનક લથડી ગઈ હતી. બાળકો સહિત 20 જેટલા લોકોને વોમિટ શરૂ થઈ જતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામની સારવાર ચાલી રહી છે.