Chhota Udepur

માં બાપ વિનાની આદિવાસી દિકરીનુ મક્કમ મનોબળ

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા
“સર્વજન હિતાય સર્વજન સુખાય” મંત્રને વરેલી રાજય સરકાર દ્વારા રાજયના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટેની યોજનાઓ બનાવી સુચારૂ અમલીકરણ થકી રાજયના નાગરિકોના જીવનમાં ખુશાલીનું કિરણ પ્રગટાવ્યું છે.
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શહેરી ગરીબ હોય કે પછી કાંઠા વિસ્તારમાં વસતા સાગરખેડૂ હોય સૌને વિકાસની તક મળે એ માટે સર્વસમાવેશી યોજનાઓ આ સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. સરકારની આ સર્વાંગી વિકાસની યોજનાઓ થકી સમાજના તમામ વર્ગના લોકોને વિકાસની સરખી તક પ્રાપ્ત થઇ છે. સરકારની અનેકવિધ કલ્યાણલક્ષી યોજનાઓ થકી આજે તમામ સમાજનો સર્વાંગી અને સમતોલ વિકાસ થઇ રહ્યો છે જે ઉડીને આંખે વળગે એમ છે એમાં કોઇ બે મત નથી જ. સરકાર દ્વારા અમલી યોજનાઓ પૈકી સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળના સમાજ સુરક્ષા વિભાગના એક એકમ એવા જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા અમલી પાલક માતા-પિતા યોજના એક નોંધપાત્ર યોજના છે કે થકી જે બાળકના માતા પિતા હયાત નથી અથવા જે બાળકના પિતાનું અવસાન થયું હોય અને માતાએ પુન:લગ્ન કરી લીધા હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકનું માતા પિતા બની પાલન પોષણ કરતા પાલક માતા-પિતાને માસિક રૂપિયા ત્રણ હજારની સહાય આપવામાં આવે છે.

છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ તો સમાજ સુરક્ષા વિભાગ હેઠળ કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ૬૯૫ લાભાર્થીઓને દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય લાભાર્થીના ખાતામાં ચૂકવવામાં આવે છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામના તળાવ ફળિયામાં પોતાની દાદી અને કાકા-કાકી સાથે રહી ખટાશ પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી રેશ્માબેન કંચનભાઇ રાઠવા કે જેને પાલક માતા-પિતા યોજના અંતર્ગત માસિક રૂપિયા ત્રણ હજારની સહાય મેળવે છે તેની સાથે વાત કરતા સુખદ આશ્ચર્ય એ વાતનું થયું હતું કે, અંતરિયાળ વિસ્તારમાં રહેતી એક અનાથ બાળકીની પણ સરકાર માઇ-બાપ બનીને દરકાર રાખે છે. રેશ્માબેને વાત કરતા જણાવ્યું હતું કે, મને દર મહિને ત્રણ હજાર રૂપિયા મારા ખાતામાં જમા થાય છે. આ પૈસાથી મારો અભ્યાસ ખર્ચ તેમજ અન્ય ખર્ચ નીકળી આવે છે.

Advertisement

મારી દાદી અને મારા કાકા-કાકી મને સારી રીતે રાખે છે તેમજ મારા કાકા-કાકી મને ખૂબ પ્રેમ કરે છે એમ જણાવ્યું હતું. રેશ્માબેનના કાકા જીતુભાઇ દેસિંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઇ કંચનભાઇ રાઠવાનું વર્ષ-૨૦૧૨માં અવસાન થયું હતું. રેશ્મા માત્ર બાવીસ દિવસની હતી ત્યારે જ એની મમ્મી એને અમારે હવાલે મુકીને જતી રહી હતી. મારી માતા અને અમે રેશ્માને ઉછેરીને મોટી કરી છે. એક વખત સેવાસેતુના કાર્યક્રમમાં જવાનું થયું હતું ત્યાં મને પાલક માતા-પિતા યોજના અંગે માહિતી આપવામાં આવી હતી. અને અરજીફોર્મ પણ ત્યાંથી જ આપવામાં આવ્યું હતું. અરજી કર્યા બાદ અરજી મંજૂર થતા છેલ્લા દોઢેક વર્ષથી યોજનાનો લાભ મળે છે.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના અધિકારી કર્મચારીઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ તરફથી ખૂબ સારો સહયોગ પ્રાપ્ત થયો છે. આજે પણ કોઇ માહિતી જોઇતી હોય તો ફોન પર જ પુરતું માર્ગદર્શન મળી રહે છે. ઓફિસ સુધી જવાની જરૂર પડતી નથી એમ કહી તેમણે ખરેખર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પાલક માતા-પિતા યોજના અનાથ બાળકો માટે આશિર્વાદથી ઓછી નથી એમ ઉમેર્યું હતું.

Advertisement

Trending

Exit mobile version