Vadodara
ડેસરની શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલમાં “દિગ્વિજય દિવસ” ઉજવાયો…
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને શ્રી એમ. કે. શાહ હાઈસ્કૂલ, ડેસર ના સંયુક્ત ઉપક્રમે “દિગ્વિજય દિવસ” અંતર્ગત “યુગ પુરુષ સ્વામી વિવેકાનંદજી” વિષય પર આજ રોજ વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
ડેસરના અગ્રણી દેવેન્દ્રભાઈ પટેલ, શાળાના આચાર્ય, શિક્ષક ભાઈ -બહેનો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી.
સ્પર્ધામાં શાળાના ૧૮ જેટલા વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનું જીવન અને કવન તથા તેમની શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સ્પર્ધકોમાં સારું બોલનારને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. જેમાં રાઉલ સમીરા પ્રથમ, મકરાણી નિલોફર દ્વિતીય અને ત્રિવેદી દેવાંશે તૃતીય ક્રમાંક મેળવ્યો હતો.
શાળાના આચાર્ય શૈલેશ એમ. માછીએ આજના દિવસનું મહત્વ સમજાવતાં શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ અને સ્વામી વિવેકાનંદજી વિશે જાણકારી આપી હતી. સાથે સાથે વક્તૃત્વ વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વાત કરી હતી.
સ્પર્ધાનું આયોજન લક્ષ્મણભાઈ પરમારે અને ભૂપેન્દ્રભાઈ સોઢાપરમારે કર્યું હતું. જ્યારે સંચાલન જયેશભાઈ પ્રજાપતિ એ કર્યું હતું.
આમ, વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદજીની શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ વિશે જાણે, વક્તૃત્વ કળા વિકસે તેવા હેતુથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.