Uncategorized
નારી તું નારાયણી આણંદના અલ્પાબેન પટેલ બિનવારસી મૃત્યુદેહોના કરે છે અગ્નિસંસ્કાર
નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ આણંદ દ્વારા કારતક વદ અમાસને દિવસે ૫૫૪ મૃતાત્માઓ મોક્ષાર્થે વિધિ કરવામાં આવી હતી. આ વિધિ કાર્યમા સંસ્થા સ્થાપક અલ્પાબેન પટેલ , સમીરભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ , કે લાલ, મુકેશભાઈ મહારાજ જોડાયા હતા
આણંદના સામાજિક કાર્યકર્તા અને નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘના અધ્યક્ષા અલ્પાબેન પટેલ , જે છેલ્લા દસ વર્ષથી બિનવારસી મૃતદેહને વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવાનુ ખુબ સરાહનીય સેવાકાર્ય ખૂબ મક્કમતાથી કરી રહ્યા છે. અત્યાર સુધી અલ્પાબેન પટેલને ૫૫૪ જેટલા બિનવારસી મૃતદેહને અગ્નિદાહ આપ્યો છે. આ ૫૫૪ મૃતાત્માઓના મોક્ષાર્થે અલ્પાબેન પટેલ અને તેમના પતિ સમીરભાઈ પટેલ (ભગત) તેમજ સેવાકીય ભાવથી સહકાર આપવા માટે હિતેશભાઈ પટેલ , કે લાલ, મુકેશભાઈ મહારાજ ધ્વારા કારતક વદ અમાસના રોજ શાસ્ત્રોક્ત વિધિ સાથે ધર્મ સંસ્કાર કરવામાં આવ્યા હતા . પુજા વિધિ બાદ વહેતા જળ પ્રવાહમાં તર્પણ સહિત કાર્ય સંપન્ન કરીને વિધાતા પરમાત્માને મૃતાત્માઓના મોક્ષાર્થે પ્રાર્થના કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંતિમ સંસ્કારની વાત આવે ત્યારે મૃત્યુ પામેલા સ્વજનને જોઈને પુરુષ પણ હતપ્રત થઈ જાય છે. પરંતુ નારી તું નારાયણી તે ઉક્તિને સાચું કરતા ચરોતરની દીકરી અલ્પાબેન પટેલ દ્વારા છેલ્લા દસ વર્ષથી અજાણ્યા અને બિનવારસી મૃતદેહના વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. અલ્પાબેન પટેલે કોરોના કાળ દરમિયાન જ્યારે કોઈપણ વ્યક્તિ પોતાના સગા મા-બાપને પણ અગ્નિદાહ દેવા માટે તૈયાર ન હતા. તે સમયે તેમણે અનેક બિનવારસી મૃતદેહ અને કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને અગ્નિસંસ્કાર કરીને ભગીરથ કામ કર્યું હતું. અલ્પાબેન બિનવારસી મૃતકોના માતા-બહેન અથવા દીકરી બનીને અગ્નિદાહ આપીને તેમની આત્માને શાંતિ પહોંચાડી રહ્યા છે. આ સેવાકીય ભગીરથ કાર્ય અંગે અલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તેમણે ભિક્ષુકોને નવડાવી ધોવડાવીને સારા કપડાં આપવાનું કાર્ય ચાલુ કર્યું હતું, જેના કારણે શહેરના ભિક્ષુક એમની સાથે ખૂબ જ હળી મળી ગયા હતા. તે દરમિયાન એક ભિક્ષુકની ગેરહાજરી જણાવતા તેમણે તે અંગે તપાસ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, ભિક્ષુકનુ મરણ થઈ ગયુ છે. આ વાતની જાણ થતા ઘટના સ્થળે પહોંચતા ભિક્ષુકની લાશને જે-તે જગ્યાએ ઉપર ટાયર નાખીને સળગાવી દેવામાં આવી હતી. આવી બાબતથી તેઓ દ્રવિત થઈ ગયા હતા, તે જ સમયે તમને વિચાર આવ્યો હતો કે, આવી બિનવારસી હાલતમાં મૃતદેહ રોડ પર રઝડતા રહે તેના કરતાં જો તેને અંતિમ સંસ્કાર કરવામાં આવે તો તેમની આત્માને મુક્તિ મળી શકે છે. તે દિવસથી તેમણે આ ભગીરથ કાર્યની શરૂઆત કરી હતી. આ કાર્ય માટે તેમના પરિવારે પણ ખૂબ જ સહકાર આપ્યો છે. કોરોના કાળ દરમિયાન મહત્વની કામગીરી નિભાવી હતી કોરોના કાળ દરમિયાન જ્યારે લોકો પોતાના સ્વજનને અગ્નિદાહ દેતા ડરી રહ્યા હતા, તે દરમિયાન અલ્પાબેન દ્વારા કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોને અગ્નિદાહ આપીને પુણ્યનું કામ કરવામાં આવ્યું હતું.
વિદ્વાન બ્રાહ્મણો સાથે વાતચીત કરીને મહિલા અગ્નિસંસ્કાર કરી શકે કે કેમ ? તેની જાણકારી મેળવી હતી
સ્મશાનમાં મહિલાઓ ન જાય તેમજ અગ્નિદાહ પણ મહીલાઓ ના આપી શકે તેવી માન્યતાઓ હિંદુ ધર્મમાં આવેલી છે. આ અંગે તેમણે વિદ્વાન બ્રાહ્મણો સાથે વાતચીત કરીને મહિલા અગ્નિસંસ્કાર કરી શકે કે, નહીં તેની જાણકારી સૌપ્રથમ મેળવી હતી. બ્રાહ્મણો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્ત્રીનું હૃદય નાજુક હોવાના કારણે સ્મશાનમાં જવાની ના પાડવામાં આવે છે. જોકે હિન્દુ ધર્મ મહિલા અગ્નિસંસ્કાર ન આપી શકે તેવું કોઈપણ જગ્યાએ જણાવવામાં આવેલું નથી. ત્યારબાદ અત્યાર સુધી અલ્પાબેનને ૫૫૪ જેટલી બિનવારસી મૃતદેહને અગ્નિદાહ આપીને તેમની અસ્થિઓ હરદ્વારમાં પધરાવવાની વ્યવસ્થા કરી છે.
મૃતદેહને અગ્નિદાહ આપ્યા બાદ અસ્થિને પણ વિધિપૂર્વક વિસર્જન કરાય છે
અલ્પાબેન પટેલે મૃતદેહના અગ્નિસંસ્કાર બાબતે જણાવ્યું હતું કે, જ્યારે સરકારી દવાખાનામાં જઈને બિનવારસી લાશ મેળવવાનું કામ કરી રહ્યા હતા, જેથી કરીને તેમના અગ્નિસંસ્કાર કરી શકાય. તે દરમિયાન લાશ જોઈને ખૂબ જ ડર લાગતો હતો. જોકે તેમ છતાં પણ ડરને દૂર કરીને આ કાર્યને અવિરત પણે ચાલુ રાખ્યું છે. પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ કોઈ પણ બિનવારસી મૃતદેહને અગ્નિદાહ આપીને તેમની અસ્થિને પણ વિધિપૂર્વક વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું.
મહીલા સશકિતકરણ અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ માટે નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ અગ્રેસર
અલ્પાબેન પટેલે નવગુજરાત મહિલા અધિકાર સંઘનુ કાર્ય વર્ષ ૧૯૯૯-૨૦૦૦ દરમિયાન શરૂ કર્યું હતું, જે અંતર્ગત તેઓ વિવિધ પ્રકારની સામાજિક કાર્યો કરી રહ્યા છે. અલ્પાબેન પટેલ દ્વારા સંચાલિત નવ ગુજરાત મહિલા અધિકાર સંઘ અંતર્ગત મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે કરાટે તલવારબાજી અને સ્વરક્ષણના ક્લાસીસ ચલાવવામાં આવે છે. આ ઉપરાંત પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત સંસ્થા દ્વારા વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા જાગૃતિ સંદેશ પહોંચે તેવા કેમ્પ પણ યોજવામાં આવે છે. આ ઉપરાંત તેઓ મહિલાઓની સુરક્ષા માટે અનેક કાર્ય કરી રહ્યા છે, જેમાં મહિલાઓને રક્ષણ મળી રહે તેવી કામગીરી કરવામાં આવે છે.