Gujarat
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તા.૧૪ મી ડીસેમ્બર,૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
પંચમહાલ, મંગળવાર : પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન તેમજ પંચમહાલ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ સી.કે.ચૌહાણની અધ્યક્ષતા હેઠળ આગામી તા.૧૪/૧૨/૨૦૨૪ શનિવારના રોજ પંચમહાલ જિલ્લા મથક ગોધરાની સાથે, શહેરા, મોરવા(હ), ઘોઘંબા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે.
આ રાષ્ટ્રીય લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાન લાયક પેન્ડીંગ કેસો જેવા કે ક્રીમીનલ કંપાઉન્ડેબલ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ ૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી.કેસ સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મેટ્રીમોનિયલ કેસો, લેબર ડીસ્પ્યુટ કેસો, ઇલેક્ટ્રિક અને વોટર બિલ ( ચોરીના નોન કમ્પાઉન્ડેબલ સિવાય) ને લગતા કેસો, એલ.એ.આર. અન્ય સિવિલ કેસો (રેન્ટ, ઇઝમેન્ટરી રાઇટ્સ, ઇન્જકશન શુટ, સ્પેસિફિક પરફોમેન્સશૂટ) અને પ્રિ-લિટીગેશન કેસો સમાધાન અર્થે મૂકી શકાશે.
જિલ્લામાં મહત્તમ લોકો રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ લઈ સમાધાનથી વિવાદ મુક્ત બને તે હેતુથી રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. રાષ્ટ્રીય લોક અદાલતમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સબંધિત અદાલતનો સંપર્ક કરવા અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગોધરા ડીસ્ટ્રિક્ટ કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ સિવિલ અને ક્રીમીનલ કોર્ટ બિલ્ડીંગના બીજા માળે રૂમ નંબર ૩૨૩ ખાતે સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગોધરાના સચિવ કે.કે.પટેલ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.