Connect with us

Panchmahal

હાલોલ-તાજપુરા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પદવી એનાયત સમારોહ યોજાયો

Published

on

Natural Agriculture Symposium and Degree Awarding Ceremony held at Halol-Tajpura

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આજે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા સ્થિત નારાયણ આરોગ્ય અન્નપૂર્ણા ધામ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને વિદ્યાર્થીઓને પદવી એનાયત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.

પંચમહાલ ખાતે ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિની તાતી જરૂરિયાત છે. દેશભરમાં પ્રાકૃતિક કૃષિને અપનાવવા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રાકૃતિક કૃષિના ફાયદા અંગે રાજ્યપાલએ જણાવ્યું કે, આ એકમાત્ર ખેતી છે જેનાથી જમીન ફળદ્રુપ અને નરમ બને છે. વરસાદી પાણી વધુ માત્રામાં જમીનમાં ઉતરે છે. ખેતીમાં વરસાદી પાણીથી થતું વ્યાપક નુકસાન અટકે છે. ખેતીના ખર્ચમાં ઘટાડો થાય છે જ્યારે આવકમાં વધારો થાય છે.

Advertisement

Natural Agriculture Symposium and Degree Awarding Ceremony held at Halol-Tajpura

તેમણે કુરુક્ષેત્ર સ્થિત પોતાના ખેતરોમાં કરવામાં આવતી પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતોને માહિતી આપતાં કહ્યું કે, તેમણે પોતે આ ખેતી અપનાવીને ધરતી માતાને ફળદ્રુપ બનાવી છે. ઉત્પાદનમાં વધારાની સાથે દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટેના પ્રયત્નો અને અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે હાલોલની ધરતીને વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની ભેટ મળી તે ગર્વની બાબત હોવાનું જણાવ્યું હતું.

રાસાયણિક ખેતી, જૈવિક ખેતી અને જંતુનાશક દવાઓના ઉપયોગથી ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો અંગે વાત કરતાં રાજ્યપાલે કહ્યું કે, આજે ધરતીના તાપમાનમાં વધારો નોંધાયો છે. રાસાયણિક ખાતર ૨૪ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગણાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે, જેના કારણે ક્યાંક અચાનક ભારે વરસાદ તો ક્યાંક નહિવત વરસાદ વરસે છે. તાપમાન વધારા સાથે વાવાઝોડા, તોફાન,અનાવૃષ્ટિ વગેરેમાં પણ વધારો નોંધાયો છે. ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય હોવાનું રાજ્યપાલએ જણાવ્યું હતું.

Advertisement

Natural Agriculture Symposium and Degree Awarding Ceremony held at Halol-Tajpura

ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષથી વધુ અસરકારક રીતે પ્રાકૃતિક ખેતી અભિયાન ચાલી રહ્યું છે. આજે રાજ્યના ૮.૫૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. રાજ્યપાલએ તાજેતરમાં પોતાના હરિયાણા સ્થિત ખેતરોની મુલાકાત લઈ ચૂકેલા રાજ્યના મુખ્ય સચિવ સહિત રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીઓને અનુરોધ કર્યો કે, સૌ સહભાગી બનીને પ્રાકૃતિક ખેતીના અભિયાનને આગળ ધપાવે. તેમણે ગુજરાતની ભૂમિને રાસાયણિક ખાતરો અને દવાઓમાંથી હંમેશા મુક્તિ મળે તે દિશામાં કામ કરવા જણાવ્યું હતું. પ્રાકૃતિક પેદાશોને વેચવા પ્રત્યેક તાલુકા અને જિલ્લા કક્ષાએ વેચાણ માર્કેટની વ્યવસ્થા ઉભી કરાઈ રહી છે.

તેમણે ઉમેર્યું કે, જે રીતે જંગલનાં વૃક્ષોને કુદરતી રીતે જ પોષણ મળે છે, ત્યાં કોઈ પ્રકારના ખાતર વિના જ આપોઆપ ફળ આવી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં પણ જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કુદરતી પદ્ધતિઓ દ્વારા ખેતી પોષણક્ષમ તો બને જ છે, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થઈ જાય છે. તેમણે જણાવ્યું કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ સુક્ષ્મ જીવાણું હોય છે. ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન ખેડૂતોને મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ ખેડૂતોને આપી હતી. પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે.

Advertisement

રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ, સધ્ધર અને સ્વસ્થ બનશે. તેમણે રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્યમાં ફેમિલી ડૉક્ટર નહિ પણ ફેમિલી પ્રાકૃતિક ખેડૂતની તાતી આવશ્યકતા હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, રાજ્યભરમાં અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી રહી છે.Natural Agriculture Symposium and Degree Awarding Ceremony held at Halol-Tajpura

આ પ્રસંગે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સૌપ્રથમ નેચરલ ફાર્મિંગ યુનિવર્સિટી સ્થાપવાનો અભિગમ અપનાવેલો જેના અનુસંધાને વિધાનસભાએ સર્વ સંમતિથી પ્રાકૃતિક ખેતીને લઈને સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો. આજે આ યુનિવર્સિટીનું બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમણે પ્રાકૃતિક ખેતીને લઈને રાજ્યપાલનું સતત માર્ગદર્શન મળી રહે છે તેમ જણાવ્યું હતું.

આ તકે ઉપસ્થિત સૌ લોકોએ પ્રાકૃતિક ખેતી અંગે ટૂંકી ફિલ્મ નિહાળી હતી. આ સાથે રાજ્યપાલના હસ્તે યુનિવર્સિટીના એમ.એસ.સી એગ્રી.ના ૧૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ હતી. રાજ્યપાલએ તાજપુરા સ્થિત નારાયણ આરોગ્ય અન્નપૂર્ણા ધામની ગૌશાળા અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. ગૌશાળામાં ૩૫૦ ગાયો દ્વારા ઘન જીવામૃત પેદા કરાશે.

Advertisement

આ પ્રસંગે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.સી.કે.ટિંબડિયાએ સ્વાગત પ્રવચન જ્યારે નારાયણ આરોગ્યધામના ટ્રસ્ટી રાજેશભાઈ રાજગોર દ્વારા આભારવિધિ રજૂ કરાઈ હતી.

  • પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં પંચમહાલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ, નિમિષાબેન સુથાર, રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, પ્રાકૃતિક કૃષિના રાજ્યકક્ષાના સંયોજક પ્રફુલ્લભાઈ સેંજલિયા, જિલ્લા કલેકટરઆશિષ કુમાર, જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, નારાયણ ધામના ટ્રસ્ટી જયંતીભાઈ પંચાલ, સુનીલભાઈ શાહ, હાલોલ પ્રાંત અધિકારી મયુર પરમાર સહિત ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
    * હાલોલની ધરતીને વિશ્વની પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીની ભેટ મળી તે ગર્વની બાબત
    * રાજ્યમાં ફેમિલી ડૉક્ટર નહિ પણ ફેમિલી પ્રાકૃતિક ખેડૂતની તાતી આવશ્યકતા
    * પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતો સમૃદ્ધ અને સધ્ધર તથા સમાજ સ્વસ્થ બનશે : રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ
    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી :-
    > આજે ગુજરાતના ૮.૫૦ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી છે.
    > રાસાયણિક ખાતર ૨૪ ટકા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર, જંતુનાશક દવાઓના ઉપયોગથી વાદળોમાં પાણી સંગ્રહ કરવાની શક્તિ ઓછી થઈ છે.
    > આવનાર સમયમાં સૌ સાથે મળીને ગુજરાતની ભૂમિને ઝેરમુક્ત બનાવીશું.
    > પ્રાકૃતિક ખેતી કરવાથી ખેતરમાં અળસિયાનો વ્યાપ વધે છે, જેનાથી નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ ઊભી થાય છે.
error: Content is protected !!