Ahmedabad
“નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” અયોધ્યામાં સરયૂ નદીના કિનારે નીલકંઠવર્ણીજીનું સ્વાગત કરી, પંચામૃત સ્નાનથી સમાપન કરાયું
અયોધ્યા એટલે મંદિરોની નગરી. અયોધ્યામાં સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને – શ્રી ઘનશ્યામ મહારાજે અનેક પરોપકારી પાવનકારી લીલાઓ કરી છે. નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી શ્રી ઘનશ્યામ મહારાજના ચરણ સ્પર્શે અત્રેનાં અનેક સ્થળો પાવન થયાં છે. અયોધ્યાની ગલીઓ, મંદિરો એ બધી જ બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની રમણભૂમિ છે. સરયૂ નદી કિનારાનો રામધાટ પ્રસિદ્ધ છે. તે ઘાટ પરથી જ બાળપ્રભુને વનવિચરણના પ્રારંભમાં જ કૌશિક દત્ત નામના અસુરે ધક્કો મારીને સરયૂ નદીમાં ફગાવી દીધા હતા.
અયોધ્યામાં સરયૂ નદીનો રામઘાટ બાળપ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપા તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના પાવન પદાર્પણથી પવિત્ર થયેલી ધરા છે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા”નું સમાપન અયોધ્યા નગરી મુકામે સંતો હરિભક્તો વિશાળ સમુદાયમાં કરવામાં આવ્યું હતું.
અયોધ્યામાં સરયૂ નદી સર્વોપરી સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહારાજના પુનિત પદાર્પણથી પાવન થયેલી છે. બાળ ઘનશ્યામ મહાપ્રભુ દરરોજ વહેલી સવારે બ્રહ્મમુહૂર્તમાં સરયૂ નદી કિનારે સ્નાન કરવા પધારતા. આમ, ભગવાનના પ્રસાદીના સ્થાનની યાત્રા ભગવાનની સ્મૃતિ અને મહિમા સહિત કરવી એ પણ એક નવધા ભક્તિ જ છે.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદોધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા” ૬૫૦ કરતાં વધુ સંતો હરિભક્તોના વિશાળ સમુદાય સાથે અયોધ્યા મુકામે પહોંચ્યા. અયોધ્યામાં સરયૂ નદીના કિનારે આવેલ રામ કી પૌડી ઘાટમાં જ્ઞાનમહોદોધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં શ્રી નીલકંઠવર્ણીજીનું સ્વાગત સામૈયું સૌ સંતો હરિભક્તોએ પરમ ઉલ્લાસભેર કર્યું હતું. ત્યારબાદ પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે શ્રી નીલકંઠવર્ણીજીને પંચામૃતથી અભિષેક કરાવ્યો હતો અને શ્રી નીલકંઠવર્ણીજીના પંચામૃતથી અભિષેક કરેલ પ્રસાદીના ચરણામૃતથી સંતો હરિભક્તોએ પણ સ્નાન કરાવવાનો લાભ સર્વેએ લીધો હતો.
આચાર્ય જ્ઞાનમહોદોધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં આયોજિત “શ્રી નીલકંઠવર્ણી સ્મૃતિ યાત્રા”તારીખ: ૨૪/૦૯/૨૦૨૩ થી તારીખ: ૦૬/૧૦/૨૦૨૩ કુલ ૧૩ દિવસનું સમાપન અયોધ્યા મુકામે સંતો હરિભક્તોના વિશાળ સમુદાય શ્રી નીલકંઠવર્ણીજીની સ્મૃતિએ સહિત પરમોલ્લાસભેર કરવામાં આવ્યું હતું.