Surat
સુરત પોલીસનો સુરક્ષાને લઈને નવતર પ્રયોગ
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
સુરત શહેર પોલીસ તંત્રના સીસીટીવી કેમેરા અને મહાનગરપાલિકાના સીસીટીવી કેમેરા દ્વારા સુરત શહેર પર બાજ નજર રાખી રહ્યા હતા, પણ હવે સ્થાનિક સંસ્થાઓ દુકાનો અને સોસાયટીઓના કેમેરાના એક્સેસ લઇ પોતાની સાથે મર્જ કરી સુરત શહેરને વધુ સુરક્ષિત બનાવવા માટેની પહેલ કરી રહી છે.આ સાથે તમામ લોકોની ડિટેઇલ્ય એક એપ્લિકેશનમાં નાંખી જે જગ્યા પર ગુનો બને તે વ્યક્તિનું નામ મોબાઈલ નંબર સાથે તેના કેમેરાની સંખ્યા અને સ્ટોરેજ કેપેસિટી સહિતનો એક ડેટાબેઝ પણ તૈયાર કરવા જઈ રહી છે. તેથી સુરત શહેરની સુરક્ષા વધારવામાં મોટો ફાયદો થશે.
સુરત ગુજરાતનું આર્થિક પાટનગર છે. ઔદ્યોગિક દૃષ્ટિએ પણ સુરત સૌથી મહત્વનું શહેર છે અને મોટા પ્રમાણમાં રોજીરોટીની શોધમાં અલગ અલગ રાજ્યના લોકો સુરતમાં આવીને વસ્યા છે.સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તેને ઓછો કરવા માટે સુરત પોલીસ તંત્રનું 700 કેમેરાઓનું નેટવર્ક સમગ્ર શહેરમાં પથરાયેલું છે. આ સાથે 2500 કેમેરા મહાનગરપાલિકાના શહેરની બાજ નજર રાખવામાં સુરત પોલીસને મદદ કરે છે. હવે સુરત પોલીસે સુરક્ષાને લઈને વધુ એક નવો પ્રયોગ કર્યો છે.
સુરતના ઉમરા, અઠવા, ખઠોદરા, વેસુ સહિતના વિસ્તારોમાં પોલીસ ખાનગી દુકાનો સંસ્થાઓ સોસાયટીઓના સીસીટીવીના એક્સેસ લઇને હવે આ સીસીટીવીની મદદથી સુરત પર બાજ નજર રાખવાનો પ્રયાસ કરી રહી છે.એક એપ્લિકેશન પણ સુરત પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે કે જે ખાનગી દુકાનો એપાર્ટમેન્ટ સંસ્થાઓના સીસીટીવીનો ડેટા આ એપ્લિકેશનમાં રહેશે. કોઈપણ જગ્યાએ કોઈ દુર્ઘટના બને તો તે વિસ્તારમાં કોનો કેમેરો છે, એ વ્યક્તિનું નામ શું છે, તેનો મોબાઈલ નંબર શું છે, કેટલા કેમેરા છે અને સ્ટોરેજ કેપેસિટી જેવી તમામ વિગતો એપ્લિકેશનમાં જોવા મળશે.સ્થાનિક લોકોના કેમેરાઓની મદદથી પોલીસ અને સુરતને વધુ સુરક્ષિત અને બાજ નજર રાખવા માટેનો એક પ્રયોગ શરૂ કર્યો છે. જો પોલીસને સફળતા મળે તો આગામી દિવસમાં સુરત શહેરના તમામ આ પ્રકારની વિસ્તારોને આવરી લઈ સુરતને વધુ સુરક્ષિત બનાવવા માટેનું આયોજન સુરત પોલીસ કરી રહી છે.