Panchmahal
નાંદરખા ખાતે કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ
જિલ્લા વહીવટીતંત્ર અને વ્યવસ્થાતંત્ર એકબીજા સાથે સંકલન સાથી,સરકારની વિવિધ યોજનાઓ અમલીકરણ બને અને વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું – જિલ્લા કલેકટર
સ્વાસ્થ્ય,પાણી,શિક્ષણ,રસ્તા સહિતના પ્રશ્નો બાબતે જરૂરી કાર્યવાહી કરવા સંબંધીતોને કર્યો અનુરોધ
પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના નાંદરખા ખાતે કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાઇ હતી.આ સભામાં ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને યોજનાકીય બાબતો અને પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ સાથે સ્થળ પર જ વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ આંગણવાડી,શિક્ષણ અને નાના બાળકો વિશે વાત કરતા જણાવ્યું હતું કે નાના બાળકો આવતીકાલનું ભવિષ્ય છે જેમાં આંગણવાડી મહત્વપૂર્ણ રોલ ભજવી શકે છે. દરેક નાના બાળક સુધી બાળશક્તિ સહિતની પોષણ સહાય મળે રહે તે જરૂરી છે. આપણે સૌકોઈએ સાથે મળીને કુપોષણ નાબૂદી તરફ આગળ વધવું જોઈએ.કિશોરીઓ,ધાત્રીમાતાઓને તમામ પ્રકારની સહાય અને પોષણ મળી રહે તે જરૂરી છે. તેમણે વહીવટીતંત્ર, વ્યવસ્થાતંત્ર એકબીજા સાથે વાર્તાલાપ કરી સરકારની વિવિધ યોજનાઓ અમલીકરણ બને તથા વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં આગળ વધીશું.સરકારની નવીન યોજનાઓ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે અને તેનો લાભ મળે તેવા પ્રયાસો કરાશે. આ સાથે તેમણે લોકોને તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ વિશે માહિતી પીરસી હતી. તેમણે દરેક ગામમાં લાઇબ્રેરી ઊભી કરવામાં આવે તેવો અભિગમ દર્શાવ્યો હતો.આ સાથે જિલ્લા કલેકટરએ ગ્રામપંચાયત ખાતે તલાટી દફતરની સામાન્ય તપાસણી કરી નિભાવવાના રજીસ્ટર વગેરેની જાત ચકાસણી કરી સબંધિત તમામને જરૂરી સુચનાઓ આપી હતી.
આ પ્રસંગે વિવિધ વિભાગોમાંથી ઉપસ્થિત અધિકારીશ્રીઓએ સરકારની ચાલતી વિવિધ યોજનાઓ અને તેના લાભ વિશે ગ્રામલોકોને માહિતી આપી હતી.જેમાં
આરોગ્ય,ખેતીવાડી,બાગાયત,પશુપાલન,આઇ.સી.ડી.એસ, શિક્ષણ લગતી યોજનાઓ,ખેતીવાડી અધિકારી દ્વારા પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ વિશે સમજાવતાં વિસ્તૃત માહિતી પૂરી પડાઈ હતી.વેજલપુર પોલીસ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ અને જાગૃતિ બાબતે માહિતી રજૂ કરી હતી.મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગ્રામ લોકોને માહિતી અપાઈ હતી.
આ તકે પ્રાંત અધિકારી ગોધરા દ્વારા ગ્રામલોકોને રાશન,શિક્ષણ,આંગણવાડી, મધ્યાહનભોજન બાબતે પ્રશ્નોતરી કરી જવાબ મેળવ્યા હતા.
ગ્રામસભાએ સરકાર અને વહીવટી તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. લોકોના દ્વારે પ્રજાના પ્રશ્નો સાંભળવા અને મુશ્કેલીઓ દૂર કરવા રાત્રી અને દિવસીય ગ્રામસભાઓ યોજવામાં આવે છે.
આ રાત્રી સભામાં પ્રાંત અધિકારી ગોધરા,નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,મામલતદાર,પોલીસ ઇન્સ્પેકટર,તાલુકા વિકાસ અધિકારી સહિત સબંધીત વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.