Gujarat
વિચરતી,અર્ધ-વિચરતી,વિમુક્ત જાતિ વિકાસ અને કલ્યાણ બોર્ડે પંચમહાલ જિલ્લાના લોકો સાથે સંવાદ સાધ્યો
- પંચમહાલ જિલ્લાના વિચરતી-વિમુક્ત જાતિ સમુદાયના લોકો અને પ્રતિનિધિઓ સાથે કર્યો સંવાદ
ભારત સરકારના વિચરતી,અર્ધ-વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ અને કલ્યાણ બોર્ડના સભ્ય ભરતભાઈ પટણીએ પંચમહાલ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ ગોધરા સર્કિટ હાઉસ ખાતે પંચમહાલ જિલ્લામાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિ સમુદાયના લોકો તેમજ તેમના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી અને તેઓના પ્રશ્નોને સાંભળ્યા હતા. તેમજ તે પ્રશ્નોનું સમાધાન કરી આપવા માટે આશ્વાસન આપ્યું હતું.
વિચરતી અને વિમુક્ત જાતિઓ ખાસ કરીને છૂટા છવાયા વિસ્તારોમાં વસવાટ કરે છે અને રોજગારની શોધ માટે જુદા જુદા વિસ્તારોમાં ભ્રમણ કરતા હોય છે. ગુજરાતમાં ૧૨ વિમુક્ત અને ૨૮ વિચરતી જાતિ એમ કુલ ૪૦ જાતિઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ જાતિનો સૌથી મોટો પ્રશ્ન રોજગારી,શિક્ષણ અને વસવાટનો છે. આ સમુદાયના લોકોના વિકાસ અર્થે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ વિચરતી, અર્ધ-વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ અને કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી છે. ભરતભાઈ પટણી આ બોર્ડના સભ્ય છે.
ભરતભાઈ પટણીએ વિચરતી-વિમુક્ત જાતિ સમુદાયના લોકોના પ્રશ્નોના નિરાકરણ થાય તેમજ વિવિધ કાર્યક્રમો અને યોજનાઓ થકી જેમ કે, સમુદાયના તેજસ્વી તારલોઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનું માર્ગદર્શન મળી રહે,ખેલકૂદમાં રુચિ ધરાવતા યુવાઓને ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમોમાં ભાગ લેતા થાય, સ્વરોજગાર માટે મહિલાઓને સંગઠિત કરી સ્વ-સહાય જૂથ બનાવી પગભર બને તે મુજબના કાર્ય કરવા અને આ કાર્યક્રમો તથા યોજનાઓનો યોગ્ય રીતે અમલીકરણ થઈ શકે તે માટે જિલ્લાના જુદા જુદા વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરી માનવીય અભિગમ દાખવી છેવાડાના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના સહાય મળી રહે તે મુજબનું સૂચન કર્યું હતું.
વિચરતી અને વિમુક્ત જાતિના તમામ લોકોને યોજનાકીય લાભ મળે તે અને આ સમુદાય પ્રગતિ કરે તે મુખ્ય હેતુ આ કલ્યાણ બોર્ડનો છે. ભરતભાઈનું માનવું છે કે, કોઇ પણ દેશની પ્રગતિ ત્યારે જ થાય જ્યારે દેશના દરેક વ્યક્તિનું જીવન ધોરણ ઉંચુ આવે. વિચરતી-વિમુક્ત જાતિના સમુદાયોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનું કામ વિચરતી,અર્ધ-વિચરતી અને વિમુક્ત જાતિઓના વિકાસ અને કલ્યાણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે.
ભરતભાઈ પટણીની પંચમહાલ જિલ્લાની મુલાકાત સમયે જિલ્લા નાયબ નિયામક(વિ.જા.),પંચમહાલ એન. સી. પટેલ સહિત વિવિધ અધિકારીઓ અને બહોળી સંખ્યામાં વિચરતી અને વિમુક્ત જાતિના પ્રતિનિધિઓ તેમજ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા.