Gujarat
કુરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ન ફેંકવા
આજરોજ મુસ્લિમ ધર્મનો બકરી ઇદ (ઇદ-ઉલ-અઝા)નો તહેવાર હોય. જેને ધ્યાને લઈ વડોદરા શહેરમાં કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ તહેવારની ઉજવણી પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે, અને આ કુરબાની કોઇપણ જાહેર કે ખાનગી સ્થળે,અથવા મહોલ્લા કે ગલીમાં દેખાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવાથી અન્ય ધર્મ/સમુદાયના લોકોની લાગણી દુભાવાના કારણે સુલેહ શાંતિનો ભંગ થવાની શક્યતા હોય તેમ થતું અટકાવવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૧૬/૦૬/૨૦૨૪ થી તા.૧૯/૦૬/૨૦૨૪ ના કલાકઃ૨૪/૦૦ સુધી અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામા અંતર્ગત કોઈપણ ઇસમે આ દિવસો દરમિયાન અધિકૃત કતલખાનાની બહાર કે કોઈ જાહેર કે ખાનગી સ્થળોએ જયાં બહારથી જોઇ શકાય તે રીતે કોઇપણ પશુની કતલ કરવી નહી અથવા ઉપરોકત વિસ્તારની હદની અંદર કોઈ શેરીમાં, જાહેર સ્થળોમાં દેખાય તે રીતે અન્ય કોઈ પશુની કતલ કરવી નહી. તેમજ બકરી ઇદ તહેવાર નિમિત્તે કુરબાની પછી જાનવરના માંસ, હાંડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
વડોદરા શહેર પોલીસ કમિશ્નરેટ હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ સને- ૧૮૬૦ ના અધિનિયમ-૪૫ ની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે.