Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાની તમામ મેડીકલ સ્ટોરમાં સીસીટીવી લગાવી રેકોર્ડીંગ ચાલુ રાખવા જાહેરનામું બહાર પડાયું
પ્રતિનિધિ, કાજર બારીયા
રાષ્ટ્રીય બાળ અધિકાર સુરક્ષા કમિશન અને ભારત સરકારની સૂચના મુજબ જીલ્લા કલેકટર, છોટાઉદેપુર દ્વારા જીલ્લાના તમામ મેડીકલ સ્ટોર અને ડ્રગ સ્ટોર માલિકો માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાં મુજબ છોટાઉદેપુર જિલ્લાની તમામ મેડિકલ અને ફાર્મસી સ્ટોરમાં ડ્રગ્સ અને કેમેસ્ટ્રીના નિયમોની જોગવાઈ મુજબ શિડ્યુલ એચ અને એક્સ ડ્રગનું વેચાણ કરવામાં આવતું હોય તેવી તમામ મેડિકલ અને ફાર્મસી સ્ટોરની અંદર અને બહાર સીસીટીવી કેમેરા લગાવવા માટે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૩૩ હેઠળ સૂચના આપવામાં આવે છે.
છોટાઉદેપુર જિલ્લાના તમામ મેડિકલ અને ફાર્મસી સ્ટોર માલિકોએ આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના એક મહિનાના સમયગાળાની અંદર સીસીટીવી કેમેરા લગાવવાના રહેશે. આ સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ કોઈપણ સમયે જિલ્લા ડ્રગ કંટ્રોલ ઓથોરિટી અને સીડબ્લ્યુઓપી દ્વારા આકસ્મિક સમયે ચેક કરવામાં આવશે જિલ્લાના કોઈપણ મેડિકલ અને ફાર્માસી સ્ટોર માલિક દ્વારા આ મુજબના નિયમનું ઉલ્લંઘન કરવા કરતાં હોવાનું માલુમ પડશે તો કાયદાની જોગવાઈ મુજબ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.