International
NSA અજીત ડોભાલે યુએસ સ્ટેટ સેક્રેટરી બ્લિંકન સાથે મુલાકાત કરી, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી
ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે મુલાકાત કરી છે. બંને વચ્ચેની બેઠકમાં વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓની વ્યાપક ચર્ચા થઈ હતી. આ દરમિયાન બંનેએ દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
બ્લિંકન અગાઉ ઇઝરાયેલ અને ઇજિપ્ત સહિત પશ્ચિમ એશિયાના પ્રવાસે હતા. અમેરિકા પરત ફરતાની સાથે જ તેઓ ડોભાલને મળ્યા હતા. મીટિંગ બાદ બ્લિંકને ટ્વીટ કર્યું, “યુએસ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે ભારત સાથે સહયોગનું વિસ્તરણ કરી રહ્યું છે.” તેમણે ટ્વીટ કર્યું કે, “આપણી વ્યૂહાત્મક ભાગીદારીને ગાઢ બનાવવાની ચર્ચા કરવા માટે આજે મારી ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સારી મુલાકાત થઈ.”
ભારતીય દૂતાવાસે બંનેની મુલાકાતને લઈને એક ટ્વિટ પણ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે, “બંને પક્ષોએ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓની વિશાળ શ્રેણી પર મંતવ્યોનું આદાનપ્રદાન કર્યું અને ચર્ચા કરી કે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને કેવી રીતે વધુ મજબૂત બનાવી શકે.”
ડોભાલ યુએસમાં ઉચ્ચ સ્તરીય ભારતીય પ્રતિનિધિમંડળનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ મંગળવારે તેમના અમેરિકન સમકક્ષ જેક સુલિવાનને પણ મળ્યા હતા. ડોભાલ અને સુલિવાને પોતપોતાના પ્રતિનિધિમંડળો સાથે અહીં વ્હાઇટ હાઉસ ખાતે ઇનિશિયેટિવ ફોર ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET)ની પ્રથમ ઉચ્ચ-સ્તરીય બેઠક યોજી હતી.