Chhota Udepur
છોટાઉદેપુર કલેકટર કચેરી બહાર પાર્ક કરેલી ગાડી માં ACB એ કરેલી તપાસ અંગે અધિકારીઓ મૌન ??
પ્રતિનિધિ, કાજર બારીયા*
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ગાડીમાં એન્ટી કરપ્શન વિભાગ એ.સી.બી દ્વારા મોડી રાત્રે તપાસ કરવામાં આવી હતી, પરંતુ આ મુદ્દે એન્ટી કરપ્શન વિભાગ દ્વારા મૌન સેવતા અટકળો તેજ બની છે.
છોટા ઉદેપુર કલેકટર કચેરીમાં ખેડૂત ખાતેદારની ખરાઈનો દાખલો લેવા માટે લાચ માંગી હોવાનો સાંસદ ગીતાબેન રાઠવાએ પત્ર લખ્યાની સ્યાહી હજુ સુકાઇ નથી. ત્યાંજ ગત મોડી રાત્રે એ.સી.બી દ્વારા સેવા સદન કંપાઉન્ડમાં પાર્ક કરેલી અર્ટિગા ગાડીમાં તપાસ હાથ ધરી હતી. ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ થતા મોડી સાંજથી જ છોટા ઉદેપુર એ.સી.બી ની ટીમ સેવા સદન પહોંચી ગઈ હતી અને અડિંગો જમાવ્યો હતો. રાજપીપળાની ટીમ રાત્રિના આવ્યા બાદ લગભગ એક વાગ્યે અર્ટિગા ગાડીમાં તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન શું રીકવર કર્યું ? શું કાર્યવાહી કરી ? તે મુદ્દે કોઈ માહિતી ન અપાતા અટકળોનું બજાર તેજ બન્યું છે.
સેવા સદનમાં પાર્ક કરેલી અર્ટિગા ગાડી કોની છે. તેની તપાસ કરવામાં આવતા આ ગાડી કલેક્ટર કચેરીના ઇન્ચાર્જ ચીટનીશ અધિકારીની હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 1 અઠવાડિયાથી સેવા સદનમાં રૂપિયા વગર કોઈ કામ થતું ન હોવા મુદ્દે સાંસદ દ્વારા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો. તે ચર્ચામાં જ છે, ત્યાં એન્ટી કરપ્શન વિભાગ દ્વારા કારમાં સર્ચ કરાતા અટકળોનું બજાર ગરમ બન્યું છે.