Vadodara
વડોદરામાં પ્રથમ દિવસે જ હેલ્પ લાઈન નંબર 1962 એ પતંગના દોરાથી ઘાયલ 19 પક્ષીઓની સારવાર કરી
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે વડોદરા શહેરમાં 19 જેટલા ઘાયલ પક્ષીઓની 1962 એનિમલ હેલ્પલાઇનની ટીમે સારવાર કરી છે.
શહેરમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ તથા ફરતા પશુ દવાખાનાને અભિયાનના પ્રથમ દિવસે પતંગના દોરાથી ઘાયલ થયેલા 19 જેટલા પક્ષીઓની માહિતી મળી હતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા આ પક્ષીઓની સારવાર કરવામાં આવી છે.
ગોત્રી, કલાદર્શન ચાર રસ્તા, સયાજીબાગ, માંડવી ગેટ, મકરપુરા, બાળભવન ફોરેસ્ટ કચેરી, હરિનગર ચાર રસ્તા સહિતના 5 ફરતા પશુ દવાખાના અને બન્ને કરૂણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ચિરાગ પરમાર, ડો. બીજલ ત્રિવેદી, ડો. મેઘા પટેલ, ડો. પાર્થ ગજ્જર, ડો. સતીષ પાટીદાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ, ડો. પુષ્પેન્દ્ર પુવાર તથા તેમની ટીમે ભેગા મળીને કરુણા અભિયાનના પ્રથમ દિવસે જ ઉતરાયણ પર્વ પૂર્વે 19 જેટલા ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી અને તેમનો જીવ બચાવ્યો હતો.