Gujarat
પંચમહોત્સવના પ્રથમ દિવસે જિલ્લાના અધિકારીઓએ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ કર્યો
હેરિટેજ વૉક અંતર્ગત ગુજરાતની જનતાને ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો આપ્યો સંદેશ
ચાલુ વર્ષ ૨૦૨૩માં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પાવાગઢ-ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ,વડા તળાવ ખાતે પંચમહોત્સવની ઉજવણીનો પ્રારંભ થઇ ચૂક્યો છે.અલગ અલગ પ્રવૃત્તિઓ થકી આકર્ષણનું કેન્દ્ર બનેલા પંચમહોત્સવના પ્રથમ દિવસે નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા સહિતના અધિકારીઓ/કર્મચારીઓએ ૧૦ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકોનો પગપાળા પ્રવાસ કર્યો હતો.
સંગીત સંધ્યા પહેલા યોજાયેલ આ કાર્યક્રમમાં જાહેર જનતાને હેરિટેજ વૉકમાં જોડાવા અપીલ કરાઇ હતી.આ સાથે ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ હેરિટેજ વૉકમાં કુલ ૧૦ અલગ અલગ વર્લ્ડ હેરિટેજ સ્મારકો ખાતે પગપાળા યાત્રામાં પ્રવાસીઓ પણ સહભાગી થયા હતા.ઉપસ્થિતોને આ સ્મારકો અને તેના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.
એક મિનાર મસ્જિદથી લઈને વડા તળાવ-ટેન્ટ સિટી સુધી કુલ ૧૦ સ્થળો ખાતે અંદાજે ૬ કિલોમીટરની રેન્જમાં હેલિકેલ વાવ,સકર ખાનની દરગાહ,સિટી ગેટ,શહેર કી મસ્જિદ,ચાંપાનેર વર્લ્ડ હેરિટેજ સાઈટ,જામી મસ્જિદ,ચાંપાનેર,કમાની મસ્જિદ,કબૂતર ખાના પેવેલિયન સહિતના ઐતિહાસિક સ્થળો ખાતે હેરિટેજ વૉકનો વિધિવત પ્રારંભ થઇ ચૂક્યો છે.ગાઈડની મદદથી પ્રવાસીઓને તમામ સ્મારકો અંગે અને સાંસ્કૃતિક વારસા અંગે માહિતી આપવામાં આવી રહી છે.
આ હેરિટેજ વૉકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમા,હાલોલ પ્રાંત અધિકારી પ્રણવ વિઠ્ઠાણી,સ્ટેમ્પ ડયુટી કલેકટર ફાલ્ગુન પંચાલ,જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ સહિત વિવિધ અધિકારીઓ/કર્મચારીઓ અને પ્રવાસીઓ જોડાયા હતા.