Vadodara
G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં તા.૧૬ માર્ચના રોજ વોર્ડ મિટીંગ તથા 3D સેલ્ફી પોઇન્ટ્સનું આયોજન કરાશે
વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુમ્બકમ” ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે અને તેમાંય ગુજરાત રાજ્યના આંગણે G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ આ વર્ષમાં થવા જઇ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓ વિસ્તારમાં વસવાટ કરતા નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુંદર તથા સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોના આયોજનની માર્ગદર્શિકા આપવામાં આવી છે. જે મુજબ વર્ષના દરેક માસમાં જુદાં-જુદાં કાર્યક્રમોનું આયોજન થવાનું છે.
આ કાર્યક્રમોના આયોજનના ભાગરૂપે પ્રાદેશિક કમિશ્નર(નગરપાલિકા), વડોદરા ઝોન પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓમાં તા. ૧૬/૦૩/૨૦૨૩નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે નગરપાલિકા વિસ્તારમાં G-20 સમિટ ૨૦૨૩ની વિષય વસ્તુ સાથે, G-20નું બ્રાન્ડીંગ, પેન્ક્વેટ, બ્રોસર સાથે વોર્ડ મિટીંગ યોજવામાં આવશે. આ વોર્ડ મીટીંગમાં નગરપાલિકા વિસ્તારનાં પદાધિકારીઓ, પ્રમુખો, પૂર્વ પ્રમુખો તેમજ અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા નગરપાલિકાના નાગરિકો ભાગ લેનાર છે. આ ઉપરાંત વિવિધ સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ તથા ખાનગી સંસ્થાઓ વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. સદર વોર્ડ મિટીંગમાં વિવિધ સક્ષમ વક્તાઓ દ્વારા G-20 વિષય પર વક્તવ્ય આપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા ઝોનની ૨૬ નગરપાલિકાઓના વિવિધ જાણીતા સ્થળો જેવા કે પર્યટન સ્થળ, બાગ-બગીચા તથા નગરપાલિકાના સિવિક સેન્ટરો ઉપર 3D સેલ્ફી પોઇન્ટ્સનું આયોજન કરવામાં આવશે.
આ અંગે વધુ વિગતો આપતાં પ્રાદેશિક કમિશ્નર(નગરપાલિકા)ની કચેરી, વડોદરાના ચીફ ઓફિસર(વર્ગ-૧), અશ્વિન પાઠકએ જણાવ્યું હતું કે હાલ G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજયમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળી રહે, તે ધ્યાને લઇ વડોદરા ઝોનના વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, મહિસાગર તથા પંચમહાલ એમ ૦૬ જિલ્લાની મળી કુલ ૨૬ નગરપાલિકાઓમાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. વિશેષમાં આગામી સમય દરમિયાન જુદાં-જુદાં માસમાં ભીંત ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમોનું પણ આયોજન થનાર છે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવનાર છે. આયોજન કરવામાં આવનાર જુદી-જુદી સ્પર્ધાઓમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓ/નાગરિકોને નગરપાલિકાઓ દ્વારા વિવિધ પુરસ્કાર આપીને જાહેર સમારંભમાં સન્માનિત કરવામાં આવશે.