Vadodara

કારગીલ વિજય દિવસ નિમિત્તે શહીદ સૈનિકના પરિવારો માટે સ્નેહ મિલન સંપર્ક કાર્યક્રમ યોજાયો

Published

on

કારગીલ વિજય દિવસ નિમિત્તે ગુજરાતના વડોદરા જિલ્લાના વીર નારીઓ અને વિધવાઓને સુવિધા આપવા ઉદ્દેશથી વિશ્વેશ્વરૈયા ઓડિટોરિયમ, ઇ.એમ.ઇ. સ્કૂલ, વડોદરાના નિર્દેશન હેઠળ સ્નેહ મિલન સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વીર નારીઓ તથા શહીદ સૈનિકોના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તે સાથે વીર નારીઓ, નિવૃત્ત સૈનિકો, વિધવાઓ અને આશ્રિતોને તેમના પેન્શન, મેડિક્લ, પુનઃનિયુક્તિ અથવા પુનર્વસન, સંચાલિત કેન્ટીન, ઇ.સી.એચ.એસ. અને અન્ય રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા કાર્યરત યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.

આ વેળાએ જિલ્લા કલેકટર અતુલ ગોરે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, એસ.એસ.જી. હોસ્પીટલમાં સૈનિક પરિવારો માટે ડેડીકેટેડ વિન્ડો ખોલવામાં આવશે. તેમાં સૈનિક પરિવારોને પ્રાથમિકતાના ધોરણે સારવાર કરવામાં આવશે. વધુમાં તેમણે સૈનિક પરિવારોના કલ્યાણની જવાબદારી સમગ્ર સમાજની છે અને જિલ્લા વહીવટી તંત્ર સૈનિક પરિવારોની સુવિધામાં વધારો થાય તેવા તમામ પગલાં લેવા માટે તત્પર છે તેમ ઉમેર્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજમાતા શુભાંગીનીદેવી રાજે એ પ્રાસંગિક ઉદબોધનમાં ભારતવર્ષના વીર સૈનિકોને યુનિફોર્મમાં જોતા દરેક દેશવાસીઓની હિંમત વધી જાય છે. સૈનિકો જે રીતે સરહદ પરના વિપરીત સંજોગોનો હિંમતભેર સામનો કરે છે એટલી જ હિંમત તેમના પરિવારો પણ ધરાવે છે તેમ કહી રાજમાતા એ સૈનિકો તથા તેમના પરિવારોને વીરતા દાખવીને દેશને સતત સુરક્ષા પ્રદાન કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

તદઉપરાંત વિવિધ યોજનાઓ તથા દાખલાઓ માટે કાર્યક્રમ સ્થળ પર જ અરજી કરી શકાય તેવા ઉદ્દેશ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સ્થળે જ જન સુવિધા કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. જેમાં વડોદરા જિલ્લાની વીર નારીઓને/શહીદ ભૂતપૂર્વ સૈનિક પરિવારોને આવકના દાખલા, વિધવા સહાય અરજીપત્રક તથા અન્ય યોજનાકીય સહાયને લાગતી માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બ્રિગેડિયર વી.એસ. કોસવા, નિવાસી અધિક કલેક્ટર ડૉ. બી.એસ.પ્રજાપતિ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી સુરજીત સિંઘ રાઘવ, સૈનિક ઉચ્ચ અધિકારીઓ, વીરનારીઓ અને સૈનિક પરિવારો ઉપસ્થિતિ રહ્યા હતા

Advertisement
  • સૈનિક પરિવારોને એસ.એસ.જી. હોસ્પીટલની આરોગ્ય સુવિધામાં પ્રાથમિકતા આપવામાં આવશે: કલેકટર અતુલ ગોર
  • વીર સૈનિકોને યુનિફોર્મમાં જોતા દરેક દેશવાસીઓની હિંમત વધી જાય છે: રાજમાતા શુભાંગીનીદેવી રાજે

Trending

Exit mobile version