Chhota Udepur
શિક્ષકદિન નિમિતે જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર ખાતેના દરબાર હોલમાં શિક્ષક દિનની ઉજવણી અને જિલ્લા-તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ -૨૦૨૩ કાર્યક્રમ છોટા ઉદેપુર શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના ઉપ્રકમે યોજાયેલ હતો. સમારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. કલેક્ટરશ્રી સ્તુતિ ચારણમેડમ, ડીઈઓ ક્રિશ્નાબેન પાંચાણી, ડીપીઓ ઇમરાન સોની, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રતિનિધિ મુકેશ પટેલ તેમજ અન્ય અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં શિક્ષકો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા અને તાલુકા કક્ષાના કુલ ૯ શિક્ષકોને એવોર્ડ અને કેશ ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કૂલ ૨ શિક્ષકો રાઠવા મહેશભાઈ જેતપુર તાલુકા ના શિક્ષક અને ડાભી મીરાબેન નસવાડી તાલુકાના એચટાટ શિક્ષકોને જીલ્લા કક્ષાનો પારિતોષિક આપવામાં આવ્યો હતો. આ જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શિક્ષકોને ૧૫હજારનો રોકડ પુરસ્કાર, મોમેન્ટો, શુભેચ્છા સર્ટિફિકટ આપી તેઓનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. પુરસ્કૃત થનારા શિક્ષકોમાં ૪ મહિલા શિક્ષિકાઓ અને ૫ પુરુષ શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૬ અલગ-અલગ ક્લસ્ટર માંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ નિમિતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ક્રિશ્ના પાંચાણીને પણ ખાસ મોમેન્ટોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મંચસ્ત મહાનુભાવોએ અંતરિયાળ વિસ્તારોમાં શિક્ષકોની અદભુત કામગીરીની પ્રશંસા કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી મલકાબેને કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકોનું સ્તર બદલાયું છે, અને શિક્ષણનું સ્તર પણ બદલાયું છે પ્રજ્ઞા વર્ગો, સ્માર્ટ ક્લાસ, પ્રવૃતિઓ, રંગબેરંગી સજાવટ વાળો ક્લાસરૂમ, નવી શિક્ષણનીતિ પ્રમાણેનું શિક્ષણ આ બધાની પોઝીટીવ ઈફેક્ટ બાળક પર પડે છે. બાળકોમાં ખુબ પ્રતિભા રહેલી છે તેને બહાર લાવવાનું કામ શિક્ષક કરે છે. પહેલા શિક્ષકોને માસ્તર કહેતા તેને આપણે માં-જેટલું સ્તર જે આપે તે વ્યક્તિ આ રીતે પણ લઈ શકીએ. મુકેશભાઈ પટેલે શિક્ષક દિનને લઈને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. એવોર્ડ વિનર શિક્ષક ચોટારા ચેતનભાઈ અને ડાભી મીરાબેને શિક્ષક તરફી વક્તવ્ય આપ્યા હતા.
શિક્ષક સાધારણ નથી એ આ ધરતી પર વિદ્યમાન દેવ છે. એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એ રાજ્ય સરકારની નેમ છે.તેના માટે રાજ્ય સરકારે અધતન શાળાઓ,સ્માર્ટ ક્લાસિસ અને ઉત્તમ શિક્ષકોની ભરતી સહિત વ્યાપક આયોજનો કર્યા છે જે શિક્ષકોના માધ્યમ થી ધરાતલ સુધી પહોંચે છે. શિક્ષકદિન ના વિશેષ કાર્યક્રમમાં જીલ્લા કક્ષાએ રાજ્યના ઇન્નોવેશન ફેસ્ટીવલ માટે પસંદ થયેલા ૩ પ્રાથમિક અને ૨ માધ્યમિક શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વાર્તા દ્વારા, રમત દ્વારા શિક્ષણ, શાળા સમિતિમાં ગૃહ પદ્ધતિ, ગાણિતિક કેલેન્ડર, હું અને વિજ્ઞાન જેવા વિષયો પર શિક્ષકોએ કરેલા નવાચાર રાજ્ય કક્ષાના ફેસ્ટીવલમાં મોકલવામાં આવશે.