Chhota Udepur
વડાતલાવ પાસેથી ટોયોટા ગાડીમાં લઈ જવાતો રૂ.૨.૫૪ લાખના વિદેશી દારૂ સાથે એક પકડાયો
(પ્રતિનિધિ કાજર બારીયા)
રાજ્યમાં દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલનો માહોલ છે. રોજ ક્યાંકને ક્યાંક દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. પોલીસની કડક કાર્યવાહી છતા દારૂ પ્રવેશે છે. બુટલેગરો આટલા બેફામ કેમ છે તે સામાન્ય લોકોમાં ચર્ચાનો પ્રશ્ન છે. આમ બુટલેગરોને પોલીસનો સ્હેજપણ ડર ન હોય તેમ બેફામ બની ગયા છે.
છોટાઉદેપુર જિલ્લો સરહદી જીલ્લો હોવાને કારણે પર પ્રાંતમાંથી દરરોજ વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કેટલાક તત્વો દ્વારા કરવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લા પોલીસ આવા તત્વોને ઝડપીને કાર્યવાહી કરી રહી છે, ત્યારે વધુ એક વખત દારૂની ખેપ મારતા ખેપિયાને પાવીજેતપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પાવી જેતપુર પોલીસના પી.આઇ.લલિત રાણા તેમજ પી.એસ.આઇ.મહિપતસિંહ સોલંકી સ્ટાફ સાથે વડા તલાવ પાસે વોચમાં હતા. ત્યારે કવાંટ તરફથી એક ટોયોટા કંપનીની ગાડી નંબર જીજે-૦૬ પી. એ ૩૫૩૧ આવતા તેને કોર્ડન કરીને રોકી હતી, અને ગાડી ચેક કરતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૩૩૬ બોટલ જેની કિંમત રૂ.૨,૫૪,૩૭૦ મળી આવી હતી.
જેથી પાવીજેતપુર પોલીસે ગાડીના ચાલક સુનિલભાઈ જંગુભાઈ બામણિયા, રહે. અંધારકાચ, તા.કઠીવાડા, જી.અલીરાજપુર, મધ્યપ્રદેશને વિદેશી દારૂ, ટોયોટા ગાડી તેમજ અંગ ઝડતીની રોકડ મળી કુલ રૂ.૭,૫૪,૫૧૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.