Gujarat
વડોદરા જિલ્લાના પાંચ વિધાનસભા મત વિભાગોમાં મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન

રન ફોર વોટ’માં યુવાનો સહિત નાગરિકો જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરશે
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન TIP અને SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેર જિલ્લામાં ‘મતદાન જાગૃતિ’ માટે પખવાડિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેના ભાગરૂપે તા.૫મી મેના રોજ ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વડોદરા શહેર ઉપરાંત કરજણ,ડભોઈ,પાદરા,સાવલી અને વાઘોડીયા વિધાનસભા મત વિભાગમાં પણ મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ કાર્યક્રમ યોજાશે.
શહેરના કમાટી બાગ ખાતે આગામી તા.૫મી મે રવિવારના રોજ સવારે ૬.૩૦ કલાકે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ રન ફોર વોટને પ્રસ્થાન કરાવશે.
જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા મત વિભાગમાં યોજાનાર રન ફોર વોટ કાર્યક્રમના આયોજનની કલેકટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યાં હતા.
કમાટી બાગ ખાતેથી યોજાનાર ‘રન ફોર વોટ’માં યુવાનો સહિત નાગરિકોજોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરશે. કમાટી બાગથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ શહેરના વિવિધ માર્ગો પર ફરી કમાટી બાગ પરત ફરશે.
આ બેઠકમાં ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા,નિવાસી અધિક કલેકટર ડો.બી.એસ.પ્રજાપતિ,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક, મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા