Gujarat
રાજ્યો વચ્ચે ભેદભાવ રાખતી ભાજપ સરકાર સામે પંચમહાલ “આપ” નું વિરોધ પ્રદર્શન
પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજ રોજ ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ડૉ. બાબાસાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા મહામંત્રી આશિફ બક્કર તથા જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદારે મિડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને ગુજરાતમાં ભાજપ જે અન્યાય કરી રહ્યું છે તેની સામે બોલવા લોકોને આહવાન કરવામાં આવ્યું હતું.
વિરોધ પ્રદર્શનનો હેતું જણાવતા “આપ” ના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર રાજ્યો વચ્ચે ભેદભાવ રાખે છે.જે રાજ્યોમાં ભાજપ નબળી છે, લોકો નકારે છે તેવા રાજ્યોમાં ચૂંટણી આવે ત્યારે માત્ર ચૂંટણી જીતવાના આશયથી લોકોને મદદ કરવાના બહાના હેઠળ યોજનાઓ લાવે છે. ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે પરંતુ ગુજરાતના નાગરિકોને ૪૫૦ રુપિયામાં ગેસનો બાટલો મળતો નથી, રાજ્યની બહેનોને દર મહિને સ્ત્રી સન્માન રાશી મળતી નથી જ્યારે રાજસ્થાનમાં ૪૫૦ માં ગેસનો બાટલો તથા મધ્ય પ્રદેશમાં બહેનોને લાડલી દિકરી યોજના હેઠળ દર મહિને ૩૦૦૦/ સહાય આપવાની ભાજપે શરુઆત કરી છે આ માત્ર ચૂંટણી જીતવાના આશયથી જ કરવામાં આવ્યું છે. બાકી જનતાના હિત માટે, બહેનોના હિત માટે હોત તો ભાજપ શાસિત ગુજરાત સહિતના રાજ્યોમાં એક સરખો લાભ આપી શકે પરંતુ ભાજપ માત્ર તકવાદી છે, રાજ્યો વચ્ચે ભેદભાવ ઉભો કરે છે એક જ પક્ષની સરકાર છે છતાં રાજ્યો અને નાગરિકો સાથે અન્યાય તથા ભેદભાવ કરી રહી છે.
દિનેશ બારીઆએ વધુ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી દેશમાં રાજનીતિ બદલવા આવી છે. જ્યારથી દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવી છે ત્યારથી જાતિ, ધર્મના મુદ્દાઓથી ઉપર ઉઠીને સામાન્ય નાગરિકોની આર્થિક સધ્ધરતા લાવવા માટે યોજનાઓ અમલમાં મૂકી છે અને અન્ય રાજ્યોમાં પણ આ યોજનાનો પહોંચાડવા વાત મૂકી ત્યારે ભાજપે તેને મફતની રેવડી કહીને મજાક બનાવી હતી આજે એજ ભાજપે આમ આદમી પાર્ટીની યોજનાઓનું અમલીકરણ કરવા મજબુર બની છે આ રાજનીતિનો બદલાવ જોવા મળે છે જે આમ આદમી પાર્ટીની તાકાત છે.
આજે ગુજરાતીઓએ ૧૯૭૩ માં શરું થયેલું નવ નિર્માણ આંદોલન વિશે જાણવું જોઈએ વિદ્યાર્થીઓના ભોજ બીલમાં ૨૦ ટકાનો વધારો, તેલનો ભાવ ૩.૧૦ પૈસાથી વધીને ૬.૮૦ પૈસા પહોંચી જતાં ગુજરાતમાં ભારે આંદોલન થયું હતું અને દેશના સૌથી શક્તિશાળી અને તાકાતવાન તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ની કેન્દ્રમાં તથા રાજ્યમાં કોંગ્રેસની સરકાર પણ ડગી ગઈ હતી અને રાજ્યમાં કોંગ્રેસની સરકાર વિખેરી નાખવામાં આવી હતી. ગુજરાતની જનતામાં સરકારોની સીધી કરવાની તાકાત રહેલી છે આ તાકાત આજે બહાર આવે એ સમયની માંગ છે સરકાર સામે પોતાના હક્ક, અધિકાર અને ન્યાય માટે એક થવાનો, અવાજ ઉઠાવવાનો સમય આવ્યો છે તેમ જણાવ્યું હતું.
* રાજસ્થાનમાં ૪૫૦ માં ગેસનો બાટલો, મધ્ય પ્રદેશમાં ૩૦૦૦ રુપિયા લાડલી સહાય આપી
* પ્રદેશ સહમંત્રી રાજુભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી આશિફ બક્કર, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, ગોધરા તાલુકા પ્રમુખ હિંમતસિંહ ચૌહાણ, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, જિલ્લા ઓબીસી પ્રમુખ રમેશભાઇ પટેલ, જિલ્લા યુવા ટીમ ઇરફાન મન્સુરી, અહેશાન શેખ, સાદિક શેખ સહિત પદાધિકારીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા
* પોતાના કુટુંબ કે પરિવાર જનો સામે હક્ક અને અધિકાર માટે કોર્ટમાં જતી જનતા સરકાર સામે પોતાના હક્ક અને અધિકાર મેળવવા અવાજ ઉઠાવે એ આજના સમયની માંગ છે: દિનેશ બારીઆ