Gujarat
પંચમહાલ જિલ્લા કલેકટરે હાલોલ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોડેલ ફાર્મની મુલાકાત લીધી
સમગ્ર દેશમાં આજે પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ મળી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારે આજે પ્રાકૃતિક ખેતીમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
પંચમહાલ જિલ્લા કલેકટરે ફિલ્ડ મુલાકાત ગોઠવીને હાલોલ તાલુકાના કંજરી ગામે પ્રાકૃતિક ખેતી કરતા અશોકભાઈ નામના ખેડૂતના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે આ મોડલ ફાર્મના જે ખેડૂતો ખેતી કરે છે તેમની સાથે પ્રાકૃતિક ખેતી અંગે રૂબરૂ ચર્ચા કરી હતી. ખેતીમાં શું મુશ્કેલી પડે છે અને ખેડૂતોને કયા કયા ફાયદા રહે છે તે અંગે વાતચીત કરી હતી.
પ્રાકૃતિક કરતા ખેડૂતોએ પણ આ ચર્ચામાં ભાગ લીધો હતો. આ તકે ખેડૂત અશોકભાઈએ કહ્યું હતું કે, શરૂઆતમાં એક થી બે વર્ષ પછી પ્રાકૃતિક ખેતીની વિશેષતા અને ફાયદા અંગે જાણકારી મળતા છેલ્લા ત્રણ વર્ષથી તેઓ કોઈપણ જાતના ખાતર કે દવા વાપર્યા વગર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે જીવામૃત,ઘન જીવામૃત અને પ્રાકૃતિકના અન્ય આયામો
અપનાવ્યા છે જેના પરિણામે ઓછા ખર્ચે વધુ નફો મળ્યો છે.આ પ્રસંગે જિલ્લા કલેકટર અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ, હાલોલ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના રેન્જ ફોરેસ્ટર ઓફિસર સહિત યુનિવર્સિટીના પ્રતિનિધિ અને આત્મા પંચમહાલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.