Panchmahal
પંચમહાલ જિલ્લા કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધા કાર્યક્રમ યોજાયો
ભારતની પરંપરાગત ખેત પેદાશો(શ્રી અન્ન)ની ખેતી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હિમાયતના પગલે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ-૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી કર્યું છે. જેના અનુસંધાને પંચમહાલ જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા દ્વારા જિલ્લા કક્ષાનો “શ્રી અન્ન”(મિલેટ્સ) સ્પર્ધા કાર્યક્રમ ગોધરા જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયો હતો.
જિલ્લા કક્ષાના શ્રી અન્ન (મિલેટ્સ) સ્પર્ધા કાર્યક્રમમાં જિલ્લાના સેજા અને ઘટક કક્ષાએ મિલેટ્સમાંથી બનતી સ્પર્ધામાં વિજેતા કુલ ૪૮ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.જેમાં કાલોલ ઘટકમાંથી આવતા ભાવનાબેન પરમારે જુવાર,રાગી અને મકાઈના મિશ્ર પાતરાની વાનગીને પ્રથમ ક્રમાંક,શહેરા ઘટકમાંથી આવતા સૈયદ બેનઝીરના મિશ્ર હાંડવાને બીજો ક્રમાંક અને ગોધરા ઘટકમાંથી આવતા પરમાર સુમિત્રાબેનના બાજરી અને જુવારના મુઠીયાને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત થયો હતો.વિજેતા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને વાસણનો ડબ્બો આપીને પ્રોત્સાહિત કર્યા હતા તથા બાકીના ૪૫ સ્પર્ધકોને પણ વાસણની ડીશ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.વિજેતા સ્પર્ધકો હવે પછીની વડોદરા ખાતે યોજાનારા ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
આંગણવાડી કાર્યકરો દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ)માંથી બનાવેલી અલગ-અલગ વાનગીઓ જેવી કે નાગલી- જુવારના મુઠીયા, કોદરીની ખીચડી, મિક્ષ મિલેટ્સ રોલ્સ, મિલેટ્સ હાંડવો, નાગલીની બરફી, શીરો, મિલેટ્સ રાજસ્થાની ખીચડી, બિસ્કિટ વગેરે જિલ્લા કક્ષાએ યોજાયેલ મિલેટ્સ સ્પર્ધામાં મૂકવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ કુ.કામિનીબેન સોલંકીએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે શ્રી અન્ન એટલે મિલેટ ધાન્ય પાકોના વધુમાં વધુ ઉપયોગ માટે સરકાર દ્વારા સઘન પ્રયાસો થઈ રહ્યા છે.પોતાના દેશી ખોરાક તરફ વળીને ફાસ્ટ ફૂડનો ત્યાગ કરીએ તથા સ્વદેશી અપનાવીને આપણી સંસ્કૃતિનું જતન કરીએ.આપણી પેઢીને પરંપરાગત શ્રી અન્ન તરફ વાળીને સૌ નિરોગી બનીએ તેવું આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા,આઈ.સી.ડી.એસ પોગ્રામ ઓફિસર રમીલાબેન ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી મુકેશ પટેલ,જિલ્લા આરોગ્ય અધિકારી ચૌધરી,સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મણીબેન,પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ,જિલ્લા અગ્રણી રશ્મિકાબેન પટેલ,મુખ્ય સેવિકાઓ સહિત આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.