Gujarat
પાવાગઢ માં ૨૫ થી ૨૯ ડિસેમ્બર ભૂતકાળની ભવ્યતાને ઉજાગર કરવા પંચમહોત્સવ ઉજવાશે

જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં પંચમહોત્સવના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ
પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે.જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
ચાલુ વર્ષ ૨૦૨૩ દરમિયાન આગામી તા.૨૫ ડિસેમ્બરથી ૨૯ ડિસેમ્બર સુધી પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા.હાલોલ ખાતે કરાશે. સદર મહોત્સવની વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ/કાર્યક્રમો માટેના સુચારુ આયોજન અને અમલીકરણને લઈને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં ગોધરા કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે વિવિધ સબંધીત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સુચારુ સલાહ સૂચનો કર્યા હતા. આ દિવસો દરમિયાન કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.આ સાથે તમામ આયોજનને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતુ.પંચમહોત્સવ સાઈટ ખાતે ક્રાફ્ટ બજાર,સ્ટોલ,હેરિટેજ વૉક,ટેન્ટ સિટી,ટ્રાઈબલ ફુડ,પેઈન્ટીંગ પ્રદર્શન,સાઇકલ યાત્રા,ફોટોગ્રાફી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીડી.કે.બારિયા,જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી,જિલ્લા વન સંરક્ષક અધિકારી,પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ સહિત સબંધિત અધિકારીગણ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.