Chhota Udepur
પાવીજેતપુરના ધારાસભ્ય જયંતીભાઇ રાઠવાએ કલારાણી ખાતે કાર્યાલયનું લાભપાંચમના શુભ મુહુર્તે ખાત મુહુર્ત કર્યું
કલારાણી પાવીજેતપુર તાલુકાનું મહત્વનું વેપારી મથક છે, આ વિસ્તારના ગામોના લોકોને વિવિધ કામો માટે ઘર આંગણે સુવિધા મળી રહે તે હેતુથી ધારાસભ્યના કલારાણી ખાતેના કાર્યાલયને શરુ કરવામાં આવનાર છે.
આજરોજ અગ્રણીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યાલયના ખાત મુહુર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કલારાણી ખાતે ધારાસભ્યના કાર્યાલયની શરૂઆતના ભાગરૂપે કાર્યાલયના મકાનનું ખાત મુહુર્ત થતાં આ પંથકના લોકોમાં ખુશી ફેલાઇ હતી.
આ પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, કાર્યકર્તા પદાધિકારી અને કાર્યાલય ભેગા થાય તો જ પાર્ટી બને. નેતા હોય અને કાર્યકર્તા ન હોય તો પાર્ટી ન ચાલે. પાર્ટીની કલ્પના શરીર તરીકે કરીએ તો મસ્તક એટલે કાર્યાલય છે. કોઈપણ પાર્ટી વિચારધારા અને કાર્ય સંસ્કૃતિ વિના ન ચાલી શકે અને ભાજપાની તો ક્યારેય પણ કાર્ય સંસ્કૃતિ અને વિચારધારા વિના કલ્પના પણ ન થઈ શકે. આ સ્થાપિત વિચારધારા અને કાર્ય સંસ્કૃતિને આગળ ધપાવાનું કામ કાર્યાલય કરતું હોય છે. વધુમાં ઉમેર્યું હતું કે, સદસ્યતા અભિયાન અંતર્ગત અનેક સભ્યો બનાવ્યા છે. અને આ સભ્યો એ આપણા શુભેચ્છકો છે. આપણી કામગીરીના આધાર પર અને વિચારધારાની સ્વીકૃતિથી તેમને કાર્યકર્તા બનાવવાનું કામ કરવું અને કાર્યકર્તા નિર્માણની આ સતત જોડવાની પ્રક્રિયા કાર્યાલય કરતું હોય છે.