Chhota Udepur
PSIની બદલી થતાં લોકો રડી પડ્યા : એચ આર જેતાવતે લોકોના દિલમાં સ્થાન બનાવ્યું
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરમાં પાવીજેતપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ ને લોકોએ અશ્રુભીની આંખે વિદાય આપી
એક સાચા પોલીસ અને સ્થાનિકો વચ્ચે કેવી આત્મિયતા હોય એનો એક અનોખો કિસ્સો છોટાઉદેપુર જિલ્લાનાં જેતપુરપાવી પોલીસ મથકેથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ન માત્ર પોલીસ સ્ટાફ પણ સ્થાનિકો પણ અધિકારીને વિદાય આપતા રડી પડ્યા હતા. પોલીસ પી એસ આઇ જેતાવતના વિદાય સમારંભમાં સ્થાનિકોની પણ આંખ ભીની થઈ ગઈ હતી. પી એસ આઇ જેતાવતની બદલી થઈ હતી. આ માટે પોલીસ સ્ટાફે એમનો વિદાય સમારોહનું આયોજન કર્યું હતું. જેમાં આવેલા પોલીસ કર્મીઓ સહિત જેતપુરપાવીના સ્થાનિકો પણ જોડાયા હતા. લોકોની આંખ પણ આંસુથી ભીની થઈ ગઈ હતી. એક પોલીસ અધિકારીની આવી વિદાય અને આવો પ્રેમ ભાગ્યે જ જોવા મળે છે.
સામાન્ય રીતે પોલીસ અને પ્રજાના સંબંધો થોડા ગંભીર હોય છે. પણ અહીં પોલીસ અને પ્રજા વચ્ચે એક લાગણી અને પ્રેમ જોવા મળ્યો હતો. એક પીએસઆઈની બદલી થાય અને ગામના લોકો એને વિદાય આપવા માટે એકઠા થાય. એમાં દરેકની આંખ ભીની થાય એવું તો ભાગ્યે જ જોવા મળે છે. આ ઘટનાને પણ અસાધારણ કહી શકાય છે. પ્રજાના દિમાગમાં પોલીસની એક છાપ હોય છે. જેમાં ખાખીવર્દીમાં કડક અને કાયદાનું પાલન કરાવતા અધિકારી તરીકે લોકો યાદ કરતા હોય છે. પણ લોકોની લાગણીની પણ પોલીસકર્મીને અસર થાય છે. એવી આ ઘટના જેતપુરપાવીમાં જોવા મળી હતી. સહ પોલીસ કર્મચારી અને પોલીસ સ્ટેશનની હદમાં આવતા લોકો સાથેના સારા અને ગાઢ સંબંધને કારણે જ આવું બનતું હોય છે. પોલીસ અને પબ્લિક વચ્ચે સામાન્ય સંજોગોમાં તકરાર વધુ જોવા મળતી હોય છે. પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો અભાવ જોવા મળતો હોય છે. પોલીસ લોકોમાં ડર ઉભો કરાવે છે તેવું માનતા હોય છે. તેવા જ કારણો સાથે પોલીસ ક્યારેય પ્રજાના દિલમાં એક ઉત્તમ સ્થાન પ્રાપ્ત નથી કરી શકતી. પરંતુ છોટાઉદેપુરના જેતપુરપાવી પોલીસ સ્ટેશનમાં કંઈક અલગ જ દ્રશ્યો સામે આવ્યા હતા. આવનાર ચૂંટણીને લઈને ગૃહ વિભાગ દ્વારા મોટા પાયે સમગ્ર રાજ્યમાં પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જેતપુરપાવી પોલીસ મથકના પી.એસ.આઈ એચ. આર. જેતાવત ની બદલી પંચમહાલ જિલ્લામાં થતા પોતાનો ચાર્જ છોડી પોલીસ સ્ટેશન છોડી રહ્યા હતા ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.પી.એસ આઇ.એચ આર જેતાવતે પોતાના પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ખૂબ જ સારી પોલીસની છબી ઉભી કરી હતી. ન માત્ર પોલીસ ક્ષેત્રના વિસ્તારોમાં પરંતુ, પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારીઓ સાથે પણ ખૂબ જ પારિવારિક વાતાવરણ બનાવ્યું હતું. જેને લઈને પોલીસ મથકના કર્મચારીઓ,ક્ષેત્રના સામાજિક આગેવાનો, સામાન્ય લોકો અને જેતપુરપાવીના વેપારીઓ દ્વારા ફુલનાહાર પહેરાવીને અશ્રુભીની આંખે તેમને વિદાય આપી હતી. લોકોએ ફુલહારથી તેમને સત્કારી વિદાય કર્યા હતા અને ફરી છોટાઉદેપુરમાં બદલી થઈ વહેલા પરત આવે તેવી ચાહના વ્યક્ત કરી હતી.