Gujarat
પાવાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂરઃ નવા વર્ષે 2 લાખથી વધુ શ્રદ્ધાળુંઓ પહોંચ્યા માતાના આશિર્વાદ લેવા
નવા વર્ષમાં મહાકાળી માતાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ યાત્રાધામ પાવાગઢ પહોંચ્યા હતા. 2023નો પ્રથમ દિવસ અને રવિવાર હોવાથી પાવાગઢમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ મહાકાળી માતાના દર્શન કરીને નવું વર્ષ સારું રહે તેવી કામના કરી હતી. દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓમાં ગુજરાત ઉપરાંત મોટાભાગના શ્રદ્ધાળુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના હતા.
યાત્રાધામ પાવાગઢ ખાતે આશરે 500 વર્ષ પછી પ્રથમ વખત માતાજીના નવીન શિખર મંદિર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઘ્વંજારોહાણ થયા બાદ યાત્રાધામ ખાતે મહાકાલીના દર્શન અર્થે આવતા યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગતરોજ રવિવારની રજા અને નવા વર્ષના પ્રથમ દિવસે યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળીના દર્શન અર્થે અઢી લાખથી વધુ યાત્રાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યા હતા.
પાવાગઢમાં માચીથી ડુંગર સુધી પહોંચવા માટે રોપવેની સુવિધા છે પરંતુ એટલી વિશાળ સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા કે રોપવેમાં ટિકિટ લેવા માટે ત્રણ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું. થોડા સમય માટે વ્યવસ્થા પણ ખોરવાઈ ગઇ હતી. જેથી શ્રદ્ધાળુંઓમાં થોડો રોષ પણ હતો.
ડુંગર પર પહોંચ્યા પછી છાસીયા તળાવથી મંદિરના બીજા માળ સુધી પહોંચવા માટે બે લિફ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે હાલ ભારે સંખ્યામાં લોકો પાવાગઢ આવ્યા હોય શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચવા માટે 2200 પગથિયા ચડીને જવું પડ્યું હતું.