International
જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા પર પાઇપ બોમ્બથી હુમલો, ભાષણ દરમિયાન થયો વિસ્ફોટ; શંકાસ્પદ ની ધરપકડ
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા પર હુમલાનો મામલો સામે આવ્યો છે. વાકાયામા શહેરમાં જાપાનના પીએમના ભાષણ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિએ પાઇપ જેવી વસ્તુ ફેંકી હતી. જાપાની મીડિયા અનુસાર, તે એક પાઇપ બોમ્બ હતો જે પીએમની નજીક પડ્યો હતો, પરંતુ તેને કોઈ નુકસાન થયું ન હતું.
જોરદાર વિસ્ફોટ
મળતી માહિતી મુજબ હુમલા બાદ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સમાચાર એજન્સી રોઈટર્સે અહેવાલ આપ્યો છે કે ઘટનાસ્થળે વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો.
જ્યારે આ ઘટના બની ત્યારે ફ્યુમિયો કિશિદા પશ્ચિમી જાપાની શહેરમાં ફિશિંગ બંદરની મુલાકાત લીધા પછી તેમના ભાષણની શરૂઆત કરી રહ્યા હતા. કિશિદા આવતા મહિને હિરોશિમામાં ગ્રુપ ઓફ સેવન (G7) નેતાઓની સમિટનું આયોજન કરશે.
પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી
જાપાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પોલીસે ઘટનાસ્થળે એક વ્યક્તિની અટકાયત કરી છે. જાપાનની સરકારી ચેનલ NHK ના ફૂટેજમાં લોકોના ટોળા ભાગતા દેખાતા હતા. વિસ્ફોટ બાદ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળેથી એક વ્યક્તિને પકડી લીધો અને તેને જમીન પર સુવડાવી દીધો.
ગયા વર્ષે પૂર્વ પીએમ શિન્ઝો આબેની હત્યા કરવામાં આવી હતી
ગયા વર્ષે ચૂંટણી પ્રચાર દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેને હુમલાખોરે ગોળી મારીને હત્યા કર્યા પછી આ ઘટના બની છે. ભાષણ દરમિયાન આબેને બે વખત ગોળી વાગી હતી, ત્યારબાદ તેમની હાલત નાજુક રહી હતી. હુમલા બાદ તેમને હાર્ટ એટેક પણ આવ્યો હતો અને વધુ પડતા રક્તસ્ત્રાવને કારણે તેમનું મૃત્યુ થયું હતું.