Politics
PM મોદી 19 જાન્યુઆરીએ જશે મુંબઈ, મહત્વની પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ મુંબઈ પહોંચશે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાતની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સહ્યાદ્રી હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્યમાં એકનાથ શિંદેની સરકાર આવ્યા બાદ પીએમ મોદીની આ પ્રથમ મહારાષ્ટ્ર મુલાકાત હશે.
પીએમ મોદી આ સમયગાળા દરમિયાન વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મુંબઈ મેટ્રો લાઈનની બે નવી લાઈનોનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી મુંબઈમાં ગટરના પાણીને દરિયામાં ન જાય તે માટે બે હોસ્પિટલ અને નવા ગટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનો શિલાન્યાસ પણ કરશે.
સમીઝા બેઠક દરમિયાન પીએમની મુલાકાતની તૈયારીઓ ઉપરાંત આગામી BMC ચૂંટણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યકક્ષાના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ઝડપથી કામ કરી રહી છે અને અધૂરા પ્રોજેક્ટને પ્રાથમિકતાના આધારે પૂરા કરવામાં આવી રહ્યા છે.