Surat
સુરતમાં ડ્રગ્સના દૂષણથી યુવા પેઢીને બચાવવા પોલીસની પહેલ, સે નો ટુ ડ્રગ્સ રેલીનું આયોજન કરાયું
સુનિલ ગાંજાવાલા
સુરતમાં પોલીસ દ્વારા આજની યુવા પેઢી ડ્રગ્સથી દુર રહે અને લોકો જાગૃત થાય તે માટે સે નો ટુ ડ્રગ્સ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ અને પોલીસકર્મીઓ પણ જોડાયા હતા. વિવિધ બેનરો સાથે આ રેલી કારગીલ ચોકથી નીકળી હતી. તેમજ આ રેલીમાં એનસીબીના ઝોનલ ડીરેક્ટર અને સુરત પોલીસ કમિશ્નર પણ ઉપસ્થિત રહ્યા હતા.સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ડ્રગ્સ, ગાંજા, ચરસ જેવા નશીલા પદાર્થનું વેચાણ કરતા અને હેરાફેરી કરતા ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે
ત્યારે આજે લોકજાગૃતિ માટે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કારગીલ ચોકથી નીકળી આ રેલી પોલીસ કમિશ્નર કચેરી સુધી પહોંચી હતી.આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ અને પોલીસના કર્મચારીઓ જોડાયા હતા. ડ્રગ્સ અને દારૂ, ગાંજાનું સેવન કરવાથી જીવન કેવી રીતે બરબાદ થાય છે તે અંગેના બેનરો અને લખાણ સાથે આ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં એનસીબીના ઝોનલ ડીરેક્ટર શૈલેન્દ્ર કુમાર મિશ્રા અને સુરત પોલીસ કમિશ્નર અજય કુમાર તોમર પણ હાજર રહ્યા હતા. આજની યુવાપેઢીને નશા અને વ્યસન તેમજ ડ્રગ્સથી દુર રહેવા અપીલ કરી હતી.