Surat
સુરતનાં મોબાઈલ બજાર જનતા માર્કેટમાં પોલીસનું મેગા ઑપરેશન
સુરત પોલીસ દ્વારા ભાગા તળાવ ખાતે આવેલા જનતા માર્કેટમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાગા તળાવ સ્થિત આવેલું જનતા માર્કેટ મોબાઈલનું સૌથી મોટું માર્કેટ છે. તેમજ અહીં જૂના અને નવા મોબાઈલનું વેચાણ પણ મોટા પાયે થાય છે, ત્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં પોલીસે અલગ-અલગ ટીમ બનાવી સર્ચ હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.સુરતનું જનતા માર્કેટ મોબાઈલ ખરીદ-વેચાણનું સૌથી મોટું માર્કેટ ગણાય છે. જ્યાં સુરત ક્રાઈમ બ્રાંચ, એસઓજી, પીસીબી, સ્થાનિક પોલીસ સહિતની અલગ-અલગ ટીમ તેમજ DCP ક્રાઈમ રૂપલ સોલંકી અને એડિશનલ સીપી ક્રાઈમ શરદ સિંઘલ સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ.
પોલીસે અહી અચાનક હાથ ધરેલા સર્ચ ઓપરેશનને લઈને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા જનતા માર્કેટમાં આવેલી અલગ અલગ દુકાનમાં જઈને મોબાઈલ અને તેના બિલ સહિતની તમામ વસ્તુઓની ચકાસણી કરવામાં આવી હતી.DCP રૂપલ સોલંકીએ જણાવ્યું કે, જનતા માર્કેટમાં અલગ અલગ ટીમ બનાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમાં જે ફોન બિલ વગરના અહી વેચાય છે, તે ચોરીના છે કે કેમ? તેમજ કોઈ છેડછાડ કરવામાં આવે છે કે કેમ? તે તમામ બાબતોને લઈને સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેમજ જે વેપારીઓની દુકાન બંધ છે,
તેઓને પણ બોલાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છેએડિશનલ સીપી ક્રાઈમ શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અહી ચોરીના મોબાઈલ, સ્નેચિંગ કરેલા મોબાઈલ કે પછી બિલ વગરના મોબાઈલનું વેચાણ થાય છે કે કેમ તે અંગેનું સર્ચ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં કોઈપણ વેપારી પાસે બિલ વગરના કે, ચોરીના મોબાઈલ વેચાણ થતા હોવાનું જણાશે તો તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. આજે અલગ અલગ ટીમ બનાવી અહી સર્ચ કરવામાં આવી રહ્યું છે તેમજ ભવિષ્યમાં રેગ્યુલર ટીમ પણ અહી તપાસ હાથ ધરશે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત