Chhota Udepur
બોડેલીમાં સિંચાઈ વિભાગની નકલી સરકારી કચેરીના કૌભાંડમાં પોલીસે 3431 પાનાની દળદાર ચાર્જશીટ કોર્ટમાં રજૂકરી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુરના બોડેલી ખાતે બોગસ સિંચાઈ કચેરી ખોલીને સરકારને ૨૧.૭૫ કરોડ રૂપિયાનો ચુનો ચોપડવાના કૌભાંડમાં છોટાઉદેપુર પોલીસે કોર્ટમાં ૩૪૩૧ પેજની ચાર્જશીટ દાખલ કરી છે. આ પ્રકરણમાં અત્યારસુધી ૧૧ આરોપીઓની અટક થઇ ચૂકી છે. જ્યારે પ્રકરણમાં ૫૮૭ સાક્ષીઓની તપાસ કરવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ વખત આટલા પાનાની ચાર્જશીટ દાખલ થઈ.
છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં તા.૨૬ ઓકટોબર ૨૦૨૩ના રોજ ગુનો દાખલ થયો હતો. ગુન્હાની ગંભીરતાં સમજી પોલીસ અધિક્ષક આઇ.જી.શેખની અધ્યક્ષતા હેઠળ ગુન્હાની સચોટ અને તલસ્પર્શી તપાસ થાય માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ બનાવાઈ હતી. જેમાં નાયબ પોલીસ અધીક્ષક કે.એચ.સુર્યવંશીના સુપરવિઝનમાં એક પોલીસ ઇન્સ્પેકટર તથા ત્રણ પોલીસ સબ ઇન્સ્પેકટરની સભ્યો તરીકે નિમણુંક કરાઈ હતી.
સીટ સભ્ય નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સુર્યવંશીના સુપરવિઝન હેઠળ સીટના સભ્યો દ્વારા રૂા.૪,૧૪,૩૯,૯૧૫ના કૌભાંડની તપાસ શરૂ કરતાં આરોપીઓ દ્રારા ફુલ-૬ અલગ અલગ સરકારી કચેરીઓ ઉભી કરી રૂ.૨૧,૭૫,૬૬,૧૧૦નું કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
આથી આ કૌભાંડમાં પ્રાયોજના વહીવટદારની કચેરી છોટાઉદેપુરના તત્કાલીન આઈ એ એસ કક્ષાના અધિકારીથી લઇ વર્ગ-૩ના કર્મચારીઓની સંડોવણી ખુલતાં પ્રાયોજના વહીવટદારની કચેરીના ૫ અધિકારી-કર્મચારી સહિત ૧૧ આરોપીઓ વિરૂધ્ધ દસ્તાવેજી પુરાવા, ફોરેન્સિક પુરાવા, હ્યુમન સોર્સના પુરાવા મેળવી તેઓને પકડી પડાયા હતા.
જેમાં અલગ અલગ ૮૩ પંચનામા કરવામાં આવ્યા હતા. જ્યારે ૫૮૭ સાહેદોની તપાસ કરીને તેઓના નિવેદનો લઇ તમામ આરોપીઓ વિરૂધ્ધ છોટાઉદેપુર જીલ્લો અસ્તિત્વમાં આવ્યાં બાદ પહેલીવાર ૩૪૩૧ પાનાની ઐતિહાસિક
ચાર્જશીટ દાખલ કરાઇ છે. તપાસ દરમ્યાન હજુ પણ વધુ દસ્તાવેજી પુરાવા તથા અન્ય પુરાવાઓ મળવાની શક્યતાં છે.
વધુ તપાસ માટે તેમજ તપાસ દરમ્યાન મળી આવેલા પુરાવા ઉપરાંત સાક્ષીઓને કોર્ટમાં રજુ કરવા માટે સીઆરપીસી કલમ- ૧૭૩ (૮) હેઠળ કોર્ટમાંથી મંજુરી મેળવવામાં આવી હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.