Surat
સુરત માં પ્રિસ્ક્રીપશન વગર નશાકારક સિરપ વેચતાં મેડિકલ સ્ટોર્સ પર પોલીસનાં દરોડા
(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
વેસુમાં શહેર પોલીસનાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે મેડિકલ સ્ટોર પર દરોડા પાડીને પ્રિસ્ક્રીપશન વગર વેચાતી નશાકારક સિરપનું વેચાણ ઝડપી પાડ્યું હતું.
શહેર પોલીસનાં સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સોમવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસ કમિશનર અજય તોમરનાં ધ્યાને આવ્યું હતું કે સુરત શહેરમાં ખાસ કરીને પોશ વિસ્તારમાં આવેલાં કેટલાંક મેડીકલ સ્ટોર ઉપરથી ડોક્ટરનાં પ્રિસ્ક્રીપ્શન વગર નશાકારક સીરપ તથા ટેબ્લેટનું વેચાણ થાય છે.આ ગેરકાનૂની ગતિવિધીથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે તથા આવાં ડ્રગ્સનો ઉપયોગ ખાસ કરીને અસામાજિક તત્વો ગુનો આચરતાં પૂર્વે કરતા હોય છે. કેટલાંક યુવાઓ પણ આવી ગોળી તથા સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડે છે.
આને પગલે આવાં મેડીકલ સ્ટોર શોધી કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યો હતો. વેસુ સ્થિત આગમ આર્કેડમાં આવેલાં સાંઈ રુદ્રા મેડીકલ સ્ટોરમાં એસઓજી પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલ્યો હતો જેમાં મેડીકલ સ્ટોરના સંચાલક મિતુલ ભાસ્કર પવારે ડોક્ટરનાં પ્રિસ્ક્રીપ્શન વગર નશાયુકત દવાનું વેચાણ પોતાનાં મેડીકલ સ્ટોર પરથી કર્યું હતું. પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી મેડીકલ સ્ટોરમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી નશો કરવાં માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરાતી સિરપની ૨૧ બોટલો કબજે કરી હતી. સિરપનાં જથ્થા અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.