Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રિઇવેન્ટ યોગ શિબિર અને લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયા

પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
આગામી તા. ૨૧મી, જૂનના રોજ યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રિ-ઇવેન્ટ યોગ શિબિર અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આગામી તા. ૨૧મી, જૂનના રોજ સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગ દિવસની ઉજવણીમાં મોટા પ્રમાણમાં જાહેરજનતા સહભાગી થાય એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રિ-ઇવેન્ટ યોગ શિબિર અને જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં યોગને લગતી પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં યોગ દિવસને અનુલક્ષીને લોકોને જાણકારી મળી તથા લોકો યોગ કરવા પ્રેરાઇ એ માટે પ્રભાત ફેરીની સાથે જનસંપર્કનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા.
છોટાઉદેપુર ખાતે આવેલી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા પણ છોટાઉદેપુરની સબ જેલમાં જેલ સુપ્રિન્ટેન્ડન્ટ બાભરિયા, જેલના અન્ય અધિકારી/કર્મચારીઓ અને જેલમાં રહેલા કેદી ભાઇઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગાભ્યાસ કરાવાયો હતો.
આ ઉપરાંત પ્રયોજના વહીવટદારની કચેરી દ્વારા સંચાલિત મોડેલ સ્કૂલ, જી.એલ.આર.એસ શાળાઓમાં પણ યોગ દિવસના ઉપલક્ષમાં પ્રિ-ઇવેન્ટ કાર્યક્રમ તરીકે યોગ શિબિર યોજવામાં આવી હતી. વધુમાં મદદનીશ કમિશ્નર આદિજાતિ વિકાસ દ્વારા સંચાલિત આશ્રમશાળાઓમાં પણ યોગશિબિર યોજવામાં આવી હોવાનું જિલ્લા વહીવટીતંત્ર તરફથી જણાવાયું છે.