Surat
સુરત માં વરાછા વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં લોલંલોલ, નહેર બની ઉકરડો
સુનિલ ગાંંજાવાલા
સુરત મહાપાલિકા દર વર્ષે ચોમાસાના પ્રારંભ પૂર્વે પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરે છે. જો કે, વહીવટી તંત્રએ પ્રિ-મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારી હોવાના ચિત્રો અને ઘટનાઓ સામે આવી રહી છે. વરાછાઝોનની હદમાં આવેલી નહેર અને તેમાં કચરાના ઢગલાએ પ્રિમોન્સૂન કામગીરીમાં નહેરની સફાઈનો છેદ ઉડાડી દેવાયો હોવાનો પુરાવો આપ્યો છે.મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આ વર્ષે પણ પ્રિ-મોન્સુન કામગીરી માટે તમામ વિભાગ અને ઝોનના વડાઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં હજી પણ શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરીના નામે કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવતાં હોય તેવું ફલિત થઈ રહ્યું છે. વરાછામાં પણ પ્રિ-મોન્સુન કામગીરીના નામે નહેરની સાફ સફાઈમાં ધરાર લાપરવાહી દાખવવામાં આવતાં પહેલાં જ વરસાદમાં વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
વરાછા ઝોનમાં સમાવિષ્ટ પરવત પાટિયા ચાર રસ્તા પર આવેલી નહેરની દર વર્ષે ચોમાસા પૂર્વે સાફ સફાઈ હાથ ધરવામાં આવતી હોય છે. આસપાસના નાગરિકો દ્વારા નહેરમાં બારે મહિના કચરો ઠાલવવામાં આવતાં મોટા ભાગે આ નહેર ચોકઅપ જ રહેતી હોય છે. જો કે, આ વર્ષે પણ પાલિકાના વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પહેલાં નહેરની સાફ સફાઈના નામે વેઠ ઉતારી હોય તેમ નજરે પડી રહ્યું છે. નહેરમાં ભારે કચરો જમા થઈ જતાં પાણીનો પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે. આ સ્થિતિમાં સવારથી જ નહેરનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું. હજી તો ચોમાસાનો વિધિવત્ પ્રારંભ થયાને બે દિવસ જ થયા છે, ત્યારે આ પરિસ્થિતિ ઉભી થઈ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ચોમાસુ જામે તે દિવસોમાં આ વિસ્તારના નાગરિકો અને વાહન ચાલકોને વધારે મુશ્કેલી વેઠવી પડે તો નવાઈ નહીં હોય.