Panchmahal
પંચમહાલ જિલ્લામાં ચોમાસું, પુર, વાવાઝોડા અને કુદરતી આફતોને પહોંચી વળવા તંત્રની પૂર્વ તૈયારી
જિલ્લા કલેકટરઆશિષ કુમારની અધ્યક્ષતામાં પ્રી મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગે બેઠક યોજાઈ
આગામી ચોમાસાની પૂર્વતૈયારી રૂપે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના અધિકારીઓની સાથે પ્રિ મોન્સુન બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જિલ્લામાં આગામી ચોમાસા દરમિયાન સર્જાઈ શકે તેવી આપત્તિ સમયે યોગ્ય વ્યવસ્થાપન માટે સૂચનો અપાયા હતા.ચોમાસામાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય તમામ કામગીરી કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં ગ્રામ્ય,તાલુકા, શહેરી અને જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંગેની જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંદર્ભે જિલ્લાના ૭ તાલુકા માટે મામલતદારોઓને જરૂરી સુચનો અપાયા હતા. દરેક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારોને ચોમાસાની ઋતુને અનુલક્ષીને યોગ્ય વ્યવસ્થાતંત્ર કાર્યરત કરવા જવાબદારી સોંપવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને વરસાદમાપક યંત્રની ચકાસણી કરી તેને સુવ્યવસ્થિત કાર્યરત કરાવવા, વરસાદના આંકડા ચોકકસ મળે તે માટે, રાહત-બચાવનાં ભારે વાહનો ઉપકરણો ચાલુ હાલતમાં રાખવા તથા રાહત કામ માટે ઉપયોગમાં લેવાનાર તમામ સાધન સામગ્રી જેમ કે, વાહન, હોડીઓ, લાઇફ્ બોટ, લાઇફ્ જેકેટ, બુલડોઝર, જનરેટર વગેરેની અધ્યતન યાદી તૈયાર રાખવા સૂચના આપી હતી. સાથે જ વરસાદી પાણીના નિકાલ અંગે,નાળાં, કાંસ, ગટર વગેરેનો સર્વે કરાવી તેની સાફસૂફી,મરામત કરાવવા, પાણીનો ભરાવો થતો હોય તે વિસ્તારો ગામ-એપ્રોચ રોડની મુલાકાત લઇ જરૂરી કાર્યવાહી કરવા,તરવૈયાઓ, NGO ની યાદી તૈયાર કરવા , વૃક્ષોને કારણે રસ્તા બંધ થઇ જવા, વરસાદી પાણીના યોગ્ય નિકાલ, ઓપન ડ્રેનેજની સફાઈ, રેઈન ગેજ, લાઇફ સેવર જેકેટ, લાઇફ બોયા, જનરેટર, ડ્રેનેજ પંપ, ચકાસણી બાબત અને પ્રમાણપત્ર મોકલી આપવા બાબત, માનવ મૃત્યુ અને પશુ મૃત્યુની નોંધણી, તમામ ડેમના ગેટો અંગેની ચકાસણી કરવા બાબત, વરસાદી સીઝનમાં હેડ કવાર્ટર પર હાજરી વગેરે અંગે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતાં.આ સાથે એક અઠવાડિયામાં તાલુકા કક્ષાએ પણ બેઠક યોજવા જણાવ્યું હતું.
આ બેઠકમાં અધિક જિલ્લા કલેકટર એમ.ડી.ચુડાસમાએ હેલ્થ સહિત રસ્તાઓ બ્લોક ના થાય તેની તકેદારી રાખવા,જરૂર પડે તો રસ્તાઓનું ડાયવર્ઝન આપવું, એસ.ટી.બસોની કામગીરી જળવાઈ રહે,રેસ્કયું સહિતની કામગીરી ઝડપી થાય તેમ જણાવ્યું હતું.
બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણા,સર્વ પ્રાંત અધિકારી ગોધરા,શહેરા અને હાલોલ,મામલતદારઓ,એન.ડી.આર.એફ અધિકારી સહિત સબંધીત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.