Editorial
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવની મુલાકાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંઘપ્રદેશ દાનહ, દમણ અને દીવની બે દિવસની પ્રવાસના ભાગરૂપે દમણ આવી પહોંચ્યા હતા. બપોરે 2:30 કલાકે રાષ્ટ્રપતિનો હેલિકોપ્ટર કાફલો દમણના કોસ્ટગાર્ડ એર સ્ટેશન ખાતે ઉતર્યો હતો, જ્યાં પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપીને તેમનું ભવ્ય સ્વાગત કર્યું.
આ બાદ કોસ્ટગાર્ડના જવાનો દ્વારા રાષ્ટ્રપતિને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિશાળ કાફલો, 38 જેટલી કાર સાથે રાષ્ટ્રપતિ એરપોર્ટ રોડ પરથી મોટી દમણના ગવર્મેન્ટ હાઉસ તરફ રવાના થયા.
સાંજે રાષ્ટ્રપતિએ મોટી દમણના પ્રસિદ્ધ જામ્પોર ખાતે નવા ઉભા કરાયેલા પક્ષીઘરની મુલાકાત લીધી, જ્યાં તેઓએ વિવિધ પક્ષીઓ અને તેમના આશ્રયસ્થાનો વિશે માહિતી મેળવી. ત્યારબાદ દમણ ઇન્જીનીયરિંગ કોલેજ કેમ્પસની મુલાકાત લીધી અને ત્યાંના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો, જેને લઈને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગર્વનો માહોલ જોવા મળ્યો.
આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ નાની દમણના પ્રખ્યાત નામોપથ દરિયા કિનારાની પણ મુલાકાત લીધી. અંતે, મોટી દમણ લાઈટ હાઉસ ખાતે યોજાયેલા રાત્રી કાર્યક્રમમાં હાજરી આપી, જ્યાં તેમના આગમનથી સમગ્ર દમણમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.