Connect with us

Gujarat

પ્રિયંકા રાઠવાનું વિદેશમાં ઉચ્ચ અભ્યાસનું સપનું ગુજરાત સરકારે સાકાર કર્યુ

Published

on

ગુજરાત રાજ્યમાં  વસતા દરેક વર્ગના લોકોને વિકાસનો લાભ મળે એવા કલ્યાણકારી સંનિષ્ઠ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યા છે સાથે સાથે વંચિતોના વિકાસ માટે રાજ્ય સરકારે સતત પ્રયત્નશીલ રહી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. અનુસૂચિત જન જાતિના કલ્યાણ તથા સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, આવાસ રોજગાર લક્ષી સહાય અને સબસીડી, વીજ જોડાણ, સિંચાઈ વગેરે મળીને તમામ પ્રકારની સાધન સહાય અને સગવડો આપીને સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. અનુસૂચિત જન જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને સ્નાતક પછીના અભ્યાસક્રમ માટે વિદેશ અભ્યાસ કરી શકે તથા પોતાની ઉચ્ચ કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત આદિજાતી વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના કાર્યરત છે.

આ યોજના થકી  વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે રૂપિયા ૧૫ લાખની લોન વાર્ષિક ૪ ટકાના દરે સહાય મેળવનાર પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઉભરવણ ગામના પ્રિયંકાબેન રાઠવા જણાવે છે કે, તેઓ વિદેશમાં જઈને અભ્યાસ કરવા માંગતા હતા પણ વિદેશમાં અભ્યાસ કરી શકે તે માટે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી. આ સમયે તેમણે તેમના સગા મારફત ગુજરાત સરકારશ્રીની વિદેશ અભ્યાસ લોન અંગેની માહિતી મળતા જિલ્લા પ્રાયોજના કચેરી, ગોધરા ખાતે મુલાકાત લીધી હતી. કચેરીના અધિકારી તેમજ કર્મચારીઓ તરફથી ખૂબ જ સાથ સહકાર મળ્યો હતો. ઉપરાંત સદર યોજના વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેવા માટે તેમણે ઓનલાઈન અરજી કરી હતી. સરકરાના માપ દંડો હેઠળ તેમની અરજી મંજુર થતા તેમને રૂ.૧૫ લાખની વિદેશ અભ્યાસ માટે સહાય મળી હતી.

Advertisement

તેઓ ખુશી સાથે જણાવે છે કે,સરકારની સહાયથી તેમણે અને તેમના પરિવારે પોતાના સ્વપ્ન સાકાર કર્યા છે. જિંદગીમાં પ્રથમવાર હું મારા સ્વપ્ન પુરા કરવા પ્લેનમાં બેઠી હતી તેનો અનુભવ આજે પણ મને યાદ છે. તેમણે યુનિવર્સિટી ઓફ બેડફોર્ડસાયર લ્યુટોન,યુ.કે ખાતે જઈને એમ.એસ.સી ઈન્ટરનેશનલ બિઝનેસનો ૧ વર્ષનો અભ્યાસ પુર્ણ કર્યો હતો. આ અભ્યાસક્રમ પછી એકાઉન્ટિંગનો પણ અભ્યાસક્રમ પુર્ણ કરીને અત્યારે યુ.કે ખાતે તેઓ નોકરી કરી રહ્યા છે. પ્રિયંકાબેન પરિવાર સાથે યુ.કે ખાતે સેટલ થયા છે. તેમના સસરા વિનોદભાઈ હાલોલ ખાતે રહે છે અને તેમને નિયમિત ડાયાલીસીસ કરાવવું પડે છે. પ્રિયંકાબેન નોકરીની સાથે પરિવાર માટે પણ આર્થિક ઉપાર્જનનો સહારો બન્યા છે. હું નિયમિતપણે મળેલ સહાયના હપ્તા ચૂકવી રહી છું. શૈક્ષણિક કારકિર્દી બનાવવાની તક આપવા બદલ અને સપનાઓ સાકાર કરવા બદલ તેઓ ગુજરાત સરકારનો ખરા હૃદયથી આભાર વ્યક્ત કરે છે. આ સાથે તેઓ આદિજાતી વિસ્તારના અનુસૂચિત જન જાતિના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશમાં જઈને ઉચ્ચ અભ્યાસ માટે સદર યોજનાનો લાભ લેવા અનુરોધ કરે છે.

પંચમહાલ પ્રાયોજના વહીવટદાર ડી.આર.પટેલ જણાવે છે કે, જિલ્લાના આદિજાતી વિસ્તારના લોકો માટે સરકારની અનેકવિધ યોજનાઓ કાર્યરત છે. તેમણે આ યોજના અંતર્ગત  જણાવ્યું કે,  અરજદારે મેટ્રીકયુલેશન અથવા હાયર સેકન્ડરી અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ કે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય તેમને આ લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી. વિદ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ થયા બાદ છ માસ પછીથી માસિક/૬૦ હપ્તામાં સહાયની ભરપાઈ કરવાની રહે છે.

Advertisement

* વિદેશ અભ્યાસ માટે રાજ્ય સરકારની રૂ.૧૫ લાખની સહાય થકી યુ.કેના લ્યુટોન શહેરમાં અભ્યાસ પુર્ણ કરતા લાભાર્થી પ્રિયંકાબેન

* શૈક્ષણિક કારકિર્દી અને સપનાઓ સાકાર કરીને પરિવાર માટે આર્થિક ઉપાર્જનના સહારા માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા પ્રિયંકાબેન

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!