Gujarat
નવરાત્રી દરમિયાન પાવાગઢમાં દર્શનાર્થીઓની સગવડતાને ધ્યાને લઈ પ્રતિબંધાત્મક આદેશો
આગામી આસો નવરાત્રી પર્વ દરમ્યાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે તા.૧૭/૧૦/૨૦૨૪ સુધીના સમય દરમ્યાન નવરાત્રી તહેવારની ઉજવણી થનાર છે. આ સમયગાળા દરમ્યાન પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં લોકોની અવર જવર પાવાગઢ રહેનાર હોઇ તેમજ પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખુબ જ વાંકો ચુકો, ચઢાણવાળો તથા સાંકડો હોઈ કોઈ પણ અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફીકનું નિયમન કરવું જરૂરી હોઈ જાહેર હિતમાં પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ભારે તેમજ હળવા વાહનો જેવા કે ટ્રક, ટેક્ષી, ટેમ્પો, જીપ, લકઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચકી વાહનો સહિત ઈધણથી ચાલતા તમામ પ્રકારના વાહનોની અવર-જવર, રસ્તાના ડાયર્વઝન ઉપર તથા ચીજ વસ્તુઓ સાથે અથવા ચીજ વસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ કરવાની જરૂરીયાતને ધ્યાને લઈ પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ તેમને મળેલ અધિકારની રૂએ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ પાવાગઢ યાત્રાધામ ખાતે ટ્રાફિક નિયમન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આગામી તા.૧૭/૧૦/૨૦૨૪ સુધી કેટલાક હુકમો ફરમાવ્યા છે.
જે મુજબ પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ભારે તેમજ હળવા વાહનો જેવા કે ટ્રક, ટેક્ષી, ટેમ્પો, જીપ, લકઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચકી વાહનો સહિત ઈધણથી ચાલતા તમામ પ્રકારના વાહનોના અવર જવર કરવા ઉપર, હાલોલ ટીમ્બી ત્રણ રસ્તા, જેપુરા ચોકડી, ઢીકવા ચોકડી તેમજ ધનકુવા ચોકડીથી ભારે વાહનો તથા ખાનગી વાહનોના પાવાગઢમાં પ્રવેશ કરવા ઉપર, કોઈપણ પ્રકારના વાહનો દ્વારા, પશુઓ દ્વારા સાધન સામગ્રી, ચીજ વસ્તુઓનું વહન કરવા ઉપર તથા પશુઓ દોરી જનારાઓને માંચીથી દુધિયા તળાવ, પાવાગઢ સુધીના રસ્તા ઉપર અવર જવર કરવા પર મનાઇ ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર બોડેલીથી હાલોલ તરફ જતાં વાહનો તેમજ હાલોલથી બોડેલી તરફ જતાં વાહનો બાયપાસ ઉપરથી જઈ શકશે તથા પાવાગઢમાં આવતાં દર્શનાર્થીઓ વડા તળાવ ચોકડી ઉપરથી વાહનો સાથે પાવાગઢમાં પ્રવેશ કરી શકશે.
આ પ્રતિબંધ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી.બસો, સરકારી ફરજ ઉપરના વાહનો, પીવાના પાણી તથા આરોગ્ય સેવાઓના ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહિં. અનિવાર્ય, યથોચિત પ્રસંગોના કિસ્સામાં એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર,હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે.
આ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શખ્સ/વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.