Sports
PSL 2023: સૌથી સફળ રન ચેઝથી લઈને સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ સુધી, પેશાવર અને ક્વેટા વચ્ચેની મેચમાં બન્યા ઘણા રેકોર્ડ્સ
બુધવારે રાત્રે રમાયેલી પેશાવર ઝાલ્મી વિ ક્વેટા ગ્લેડીયેટર્સ વચ્ચેની પાકિસ્તાન સુપર લીગ (PSL) મેચમાં રેકોર્ડ્સનો ધમધમાટ જોવા મળ્યો હતો. આ મેચમાં પેશાવરની ટીમે પ્રથમ બેટિંગ કરતા 2 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ક્વેટાની ટીમે 10 બોલ બાકી રહેતા 8 વિકેટે મેચ જીતી લીધી હતી. પીએસએલના ઈતિહાસમાં આ સૌથી સફળ ચેઝ હતો. આ સાથે આ મેચમાં બીજા પણ ઘણા રેકોર્ડ બન્યા છે.
પીએસએલની છેલ્લી સીઝનમાં મુલતાન સુલ્તાન્સે લાહોર કલંદર્સ સામે 207 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. PSLના ઈતિહાસમાં બુધવાર રાત સુધીનો આ સૌથી મોટો ટાર્ગેટ ચેઝ હતો. આ રેકોર્ડ હવે ક્વેટા ગ્લેડીયેટર્સના નામે છે.
આ મેચમાં ક્વેટાની ટીમે 2 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા હતા. પીએસએલના ઇતિહાસમાં આ ત્રીજો સૌથી મોટો ટીમ સ્કોર છે.
આ મેચમાં ક્વેટા ગ્લેડીયેટર્સના ઓપનર જેસન રોયે 63 બોલમાં 145 રનની ઇનિંગ રમી હતી. પીએસએલમાં કોઈપણ બેટ્સમેન દ્વારા રમાયેલી આ અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ છે. આ પહેલા આ રેકોર્ડ કોલિન ઈન્ગ્રામ (127)ના નામે હતો.
જેસન રોયે પણ તેની ધમાકેદાર બેટિંગના કારણે ગઈકાલે રાત્રે PSLમાં એક હજાર રન પૂરા કર્યા. તેણે માત્ર 27 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. તે હવે સૌથી ઝડપી હજાર PSL રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા આ રેકોર્ડ શાન મસૂદ (29 ઇનિંગ્સ)ના નામે હતો.
આ મેચમાં જેસન રોયે 44 બોલમાં સદી ફટકારી હતી. પીએસએલની આ બીજી સૌથી ઝડપી સદી હતી. પ્રોટીઝ બેટ્સમેન રિલે રોસોઉ અહીં નંબર વન પર હાજર છે. રિલેએ 43 બોલમાં સદી ફટકારી છે.
આ મેચમાં ક્વેટાની ટીમે પાવરપ્લેમાં 88 રન બનાવ્યા હતા. પીએસએલના ઈતિહાસમાં આ બીજો સૌથી વધુ રન પાવરપ્લે હતો. અહીં ક્વેટાની ટીમ પણ નંબર વન પર છે. પીએસએલ 2021ની મેચમાં ક્વેટાએ પાવરપ્લેમાં 97 રન બનાવ્યા હતા.
આ મેચમાં પેશાવર જાલ્મી માટે બાબર આઝમ અને સૈમ અયુબ વચ્ચે 162 રનની ભાગીદારી નોંધાઈ હતી. પીએસએલની આ બીજી સૌથી મોટી ભાગીદારી છે.
આ મેચમાં કુલ 483 રન બનાવ્યા હતા, જે પીએસએલના ઇતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ રન હતા. અગાઉ 2021 સિઝનમાં ઇસ્લામાબાદ અને ક્વેટા વચ્ચેની મેચમાં 479 રન બનાવ્યા હતા.